સોનાના ભાવમાં સુનામી: 20 વર્ષ પહેલાનું 8,231નું મંગળસૂત્ર આજે 1.40 લાખનું થયું!

છેલ્લા 20 વર્ષમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. એક સમયે 8,231માં મળતું મંગળસૂત્ર આજે 1.40 લાખનું થયું છે. જાણો આ ભાવવધારો કેમ થયો અને તેની શું અસર થઈ રહી છે. 

અમદાવાદ, ગુરૂવાર
છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં એકધારી તેજી જોવા મળી રહી છે, જેણે સામાન્ય માણસના બજેટને હલાવી દીધું છે. અમદાવાદમાં 22 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ હવે 1.17 લાખને પાર કરી ગયો છે. જો તમે 20 વર્ષ પહેલાં, એટલે કે 2005માં 8,231નું મંગળસૂત્ર ખરીદ્યું હોય, તો આજે તેની કિંમત 1.40 લાખ થઈ ગઈ છે. આ હિસાબે, સોનાના ભાવમાં 16 ગણો વધારો થયો છે.

એક વર્ષમાં 50%નો તોતિંગ વધારો
ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં તો સોનાએ રોકેટની જેમ ગતિ પકડી છે. ગયા વર્ષની દિવાળીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 76,220 હતો, જે આ વર્ષે 1.17 લાખ સુધી પહોંચી ગયો છે. આનો સીધો અર્થ એ છે કે એક વર્ષમાં સોનામાં 50 ટકાથી વધુનો ફાયદો થયો છે. આ વર્ષના પ્રારંભે જ ભાવ 78,975 હતો અને છેલ્લા એક મહિનામાં જ તે 11,000થી પણ વધુ વધ્યો છે.

રોકાણ માટે સોનું કે ફિક્સ ડિપોઝિટ?
સોનામાં રોકાણ કરનારાઓ માટે આ તેજી એક મોટી ખુશખબર છે. આ ભાવ વધારો બતાવે છે કે સોનામાં મળતું રિટર્ન બેંકની ફિક્સ ડિપોઝિટ (FD) કરતાં અનેકગણું વધારે છે. 2005માં 10 ગ્રામ સોનાની કિંમત લગભગ 6,500થી 6,600 હતી. એ સમયે મજૂરી અને ટેક્સ સાથે મંગળસૂત્ર 8,200માં મળી જતું. પરંતુ આજે તે જ મંગળસૂત્ર માટે તમારે જીએસટી અને મજૂરી સાથે 80,000થી વધુ ખર્ચવા પડશે.

શ્રાદ્ધમાં પણ ઘટવાને બદલે વધ્યો ભાવ
સામાન્ય રીતે એવું મનાય છે કે શ્રાદ્ધ પક્ષમાં સોનાની ખરીદી ઓછી થાય છે, જેના કારણે ભાવ ઘટતા હોય છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ છે. આ વર્ષે શ્રાદ્ધમાં પણ સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળ્યો છે. હાલની પરિસ્થિતિ એવી છે કે એક મધ્યમ વર્ગની વ્યક્તિ જો લગ્નપ્રસંગ માટે મંગળસૂત્ર, બૂટી, ચૂની અને બંગડી જેવી બેઝિક જ્વેલરી ખરીદવા જાય તો તેને 3 લાખ ચૂકવવા પડી શકે છે. યાદ રાખો કે એક સમય હતો જ્યારે 3 લાખમાં આખો લગ્નપ્રસંગ થઈ જતો હતો.

નિષ્ણાતો માની રહ્યા છે કે દિવાળી સુધીમાં સોનાનો ભાવ 1.25 લાખ થઈ શકે છે. આટલા ઊંચા ભાવને કારણે તહેવારો અને લગ્નની સિઝનમાં સોનાની ખરીદી પર બ્રેક લાગી શકે છે. સામાન્ય વર્ગ માટે સોનું ખરીદવું હવે લોન લેવા જેવી બાબત બની રહી છે. આ જ કારણ છે કે હવે લોકો લાઇટ વેઇટ જ્વેલરી, પ્લેટિનમ, અને ઓરિજિનલ ડાયમંડને બદલે લેબગ્રોન ડાયમંડ તરફ વળી રહ્યા છે. આ ટ્રેન્ડ બતાવે છે કે લોકો હવે પરંપરાગત સોનાના દાગીનાને બદલે ઓછા ખર્ચે આધુનિક વિકલ્પો શોધી રહ્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!