રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં ચૌધરી સમાજે 15 ગામની મહિલાઓ માટે સ્માર્ટફોન વાપરવા પર પ્રતિબંધ મૂક્યો છે. 26 જાન્યુઆરીથી અમલી બનતા આ નિર્ણય પાછળ શું કારણ છે અને કેમ વિવાદ સર્જાયો છે? વાંચો વિગતે.

રાજસ્થાન, મંગળવાર
આજના ડિજિટલ યુગમાં જ્યાં દેશભરમાં ઈન્ટરનેટ અને ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, ત્યાં રાજસ્થાનના એક જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં ચૌધરી સમાજની પંચાયતે એક મોટો અને વિવાદસ્પદ નિર્ણય લીધો છે. પંચાયતે લીધેલા નિર્ણય મુજબ, હવેથી સમાજની દીકરીઓ અને પુત્રવધૂઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે નહીં. આ તઘલખી ગણાતા ફરમાનને કારણે સમગ્ર વિસ્તારમાં અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે. આ નિયમ કોઈ 1 કે 2 ગામમાં નહીં પરંતુ પૂરા 15 ગામમાં લાગુ કરવામાં આવશે.
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ઝાલોરના ગાઝીપુર ગામમાં રવિવારે સુજનરામ ચૌધરીની અધ્યક્ષતામાં સમાજની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે આવનારી 26 જાન્યુઆરીથી મહિલાઓ માટે સ્માર્ટફોન એટલે કે કેમેરાવાળા ફોન વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ નિર્ણયની અસર ગાઝીપુરા, પાવલી, કાલડા અને મનોજિયાવાસ સહિત કુલ 15 ગામો પર પડશે. પંચાયતના આદેશ મુજબ, મહિલાઓ હવે કોઈ પણ સામાજિક પ્રસંગ, લગ્ન કે પાડોશીના ઘરે જાય ત્યારે પોતાની સાથે સ્માર્ટફોન રાખી શકશે નહીં. જો સંપર્ક માટે ફોનની જરૂર હોય તો તેઓ માત્ર સાદો કી-પેડ વાળો બેઝિક ફોન જ વાપરી શકશે.
પંચાયતે આ આકરો નિર્ણય લેવા પાછળ એક વિચિત્ર તર્ક પણ રજૂ કર્યો છે. પંચાયતનું માનવું છે કે ઘણીવાર મહિલાઓ પોતાના કામમાં વ્યસ્ત રહેવા માટે નાના બાળકોને સ્માર્ટફોન પકડાવી દે છે. જેના કારણે બાળકોની આંખો પર ખરાબ અસર પડે છે અને તેમના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આ ઉપરાંત પંચાયતે સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના વધતા ઉપયોગને સામાજિક મર્યાદાઓ માટે જોખમી ગણાવ્યો છે. જોકે, આ નિયમમાં થોડી રાહત વિદ્યાર્થીનીઓ માટે આપવામાં આવી છે. જે દીકરીઓ અભ્યાસ કરે છે, તેઓ શૈક્ષણિક હેતુ માટે ઘરમાં રહીને સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે, પરંતુ તેઓ પણ ફોન ઘરની બહાર લઈ જઈ શકશે નહીં.
એક તરફ દેશમાં ડિજિટલ ઈન્ડિયા અને મહિલા સશક્તિકરણની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ મારતા આ નિર્ણયની ચારેકોર ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા અને અન્ય સામાજિક વર્તુળોમાં લોકો આને ‘તુગલકી ફરમાન’ ગણાવી રહ્યા છે. આધુનિક સમયમાં મહિલાઓને ટેકનોલોજીથી દૂર રાખવાનો આ પ્રયાસ કેટલો યોગ્ય છે તે અંગે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 26 જાન્યુઆરી પછી આ 15 ગામોમાં આ નિયમનું પાલન કેવી રીતે થશે તે જોવું રહ્યું.











