US Global Tariffs: ટ્રમ્પ સરકાર ગ્લોબલ ટેરિફને 10% થી વધારીને 15% કે તેથી વધુ કરવા જઈ રહી છે. જોકે, ચીન સાથે ટકરાવ ટાળવામાં આવશે. જાણો આ નવા ટેરિફ પ્લાનમાં ભારતનું શું છે કનેક્શન અને અમેરિકાની નવી વેપાર નીતિ.

નવી દિલ્હી, રવિવાર
US Global Tariffs: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન ગ્લોબલ ટેરિફને લઈને એક મોટો પ્લાન અમલમાં મૂકવા જઈ રહ્યું છે. કેટલાક પસંદગીના ગ્લોબલ ટેરિફને 10% થી વધારીને 15% કરવામાં આવશે અને કેટલાક દેશો માટે આ દર આનાથી પણ વધારે હોઈ શકે છે. જોકે, સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે અમેરિકા અત્યારે ચીન સાથે કોઈ મોટો ટકરાવ ઈચ્છતું નથી, એટલે કે ચીન પર હાલ પૂરતા ટેરિફ રેટ વધવાના કોઈ અણસાર નથી.
ભારત સાથે શું છે કનેક્શન?
અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) જેમિસન ગ્રીરે આ નવા પ્લાન વિશે સંકેતો આપ્યા છે. તેમણે જણાવ્યું કે કેટલાક દેશોની આયાત પર ટેરિફ 10% થી વધારીને 15% કે તેથી વધુ કરાશે. જોકે, તેમણે આ દેશોના નામ સ્પષ્ટ કર્યા નથી. પરંતુ આ બાબતનો ભારત સાથે સીધો સંબંધ છે, કારણ કે ભારત એવા દેશોની યાદીમાં સામેલ છે જેમની સાથે અમેરિકાની ટ્રેડ ડીલ (વેપાર કરાર) ફાઈનલ થઈ ચૂકી છે.
ચીન પર કેમ મહેરબાન છે અમેરિકા?
ફોક્સ બિઝનેસ નેટવર્કના ‘મોર્નિંગ્સ વિથ મારિયા’ કાર્યક્રમમાં ઇન્ટરવ્યુ આપતી વખતે ગ્રીરે જણાવ્યું કે, ટ્રમ્પ સરકાર ચીનથી આવતી આયાત પર હાલના લેવલ કરતા ટેરિફ વધારવાની કોઈ યોજના ધરાવતી નથી. આનું મુખ્ય કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આવનારા થોડાક અઠવાડિયામાં ચીનની મુલાકાતે જઈ શકે છે. અમેરિકા હાલમાં થયેલી ડીલ પર જ ટકી રહેવા માંગે છે.
નવા નિયમો અને કાયદાકીય પ્રક્રિયાઓ
અમેરિકી સુપ્રીમ કોર્ટે અગાઉના ઇમરજન્સી ટેરિફને ગેરકાયદેસર ઠેરવ્યા હતા. હવે તેને નવા કાયદાઓ સાથે બદલવામાં આવશે. આમાં 1974 ના ટ્રેડ એક્ટના સેક્શન 122 હેઠળ લાગુ કરાયેલા ટેમ્પરરી ટેરિફનો સમાવેશ થાય છે, જે તાજેતરમાં 10% ના દરે લાગુ થયા છે. બ્લૂમબર્ગ ટીવી પર ગ્રીરે વધુમાં જણાવ્યું કે વ્હાઇટ હાઉસ આ ટેમ્પરરી ટેરિફને 15% સુધી વધારવા માટે ડેક્લેરેશન (જાહેરાત) તૈયાર કરી રહ્યું છે. જે દેશો સાથે ટ્રેડ એગ્રીમેન્ટ છે તેમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાશે.
આ દેશો પર રહેશે ખાસ નજર
નવા કાયદાના સેક્શન 301 હેઠળ ખોટી વેપાર નીતિઓ અપનાવતા દેશો પર ખાસ તપાસ કરવામાં આવશે. આ તપાસમાં એવા દેશો પર ફોકસ રહેશે જેઓ જરૂરિયાત કરતા વધારે ઇન્ડસ્ટ્રિયલ કેપેસિટી જાળવી રાખે છે. સપ્લાય ચેનમાં બળજબરીથી મજૂરી કરાવે છે. અમેરિકન ટેકનોલોજી કંપનીઓ સાથે ભેદભાવ કરે છે. ચોખા અને સીફૂડ જેવી પ્રોડક્ટ્સ માટે સરકારી સબસિડી આપે છે. ગ્રીરે જણાવ્યું કે તેમણે અને નાણામંત્રી સ્કોટ બેસેન્ટે ચીની અધિકારીઓ સાથે આ મુદ્દે ઘણીવાર ચર્ચા કરી છે. ચીનની કેટલીક કંપનીઓ સરકારી મદદને કારણે નુકસાનમાં હોવા છતાં ચાલુ રહે છે. આ જ કારણથી ચીન અને વિયેતનામ જેવા દેશોમાં આ સમસ્યા હલ કરવા માટે યોગ્ય પગલાંની જરૂર છે.
100 વર્ષ જૂનો કાયદો પણ છે હથિયાર
ગ્રીરે યાદ અપાવ્યું કે 1930 ના ટેરિફ એક્ટનું સેક્શન 338 આજે પણ માન્ય છે. આ લગભગ એક સદી જૂનો કાયદો છે, જેનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ દેશ અમેરિકન વેપાર સાથે સારો વ્યવહાર ન કરતો હોય. આ નિયમ હેઠળ ટાર્ગેટ કરાયેલા દેશોની આયાત પર 50% સુધીનો ટેરિફ લગાવવાની સત્તા અમેરિકન સરકાર પાસે છે. જોકે, સરકાર આ તમામ નિર્ણયોમાં જરૂરી કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરશે, કારણ કે આવા નિર્ણયો સામે લોકો અવારનવાર કોર્ટમાં કેસ કરતા હોય છે.











