જગદીપ ધનખડે આશરે ત્રણ વર્ષ પહેલા 6 ઓગસ્ટે દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમનો કાર્યકાળ પૂરો થવામાં હજુ બે વર્ષ બાકી હતા.

નવી દિલ્હી, મંગળવાર
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે મોનસૂન સત્રના પ્રથમ દિવસે જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાતોને ટાંકીને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. ધનખડે જણાવ્યું કે, “સ્વાસ્થ્ય સંભાળને પ્રાથમિકતા આપવા અને મેડિકલ સલાહનું પાલન કરવા માટે, હું ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું.” તેમણે રાષ્ટ્રપતિનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
ત્રણ વર્ષનો કાર્યકાળ અને રાજકીય સફર
જગદીપ ધનખડે આશરે ત્રણ વર્ષ પહેલા 6 ઓગસ્ટે દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમનો કાર્યકાળ પૂરો થવામાં હજુ બે વર્ષ બાકી હતા. ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂક્યા હતા. આ ઉપરાંત તેઓ 1989થી 1991 દરમિયાન ઝુંઝુનૂ લોકસભા ક્ષેત્રમાંથી સાંસદ પણ રહ્યા હતા અને વી.પી. સિંહ તથા ચંદ્રશેખરની સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે પણ કામ કર્યું હતું.
શિક્ષણ અને વ્યાવસાયિક જીવન
ધનખડનો જન્મ 18 મે, 1951ના રોજ રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લામાં થયો હતો. તેમની પ્રારંભિક શિક્ષણ ગામમાં જ થયું, ત્યારબાદ તેઓ વધુ અભ્યાસ માટે ચિત્તોડગઢની સૈનિક સ્કૂલમાં ગયા. તેમણે NDAમાં પસંદગી હોવા છતાં આગળ ભણવાનું પસંદ કર્યું. રાજસ્થાન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે કાયદાનો અભ્યાસ કર્યો અને જયપુરમાં લાંબા સમય સુધી વકીલાત કરી.
સ્વાસ્થ્ય અને મોનસૂન સત્ર પર અસર
માર્ચ મહિનામાં જગદીપ ધનખડને AIIMSમાં હૃદય સંબંધિત તકલીફને કારણે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હોસ્પિટલ જઈને તેમની મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે, આજે જ સંસદનું મોનસૂન સત્ર શરૂ થયું છે, અને આવા સમયે રાજ્યસભાના સભાપતિ (ઉપરાષ્ટ્રપતિ)ની ગેરહાજરી વર્તાશે.











