અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરની આજે અમરેલીમાં અંતિમયાત્રા નીકળી હતી. પુત્રી જેનીબેને પિતાના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી અને અંતિમયાત્રાને કાંધ પણ આપ્યો હતો.

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરના નિધન બાદ આજે અમરેલીમાં તેમની અંતિમયાત્રા નીકળી હતી. લાંબા સમયથી બીમાર વીરજી ઠુમ્મર પોતાના વતન ગામમાં રહી સારવાર લઈ રહ્યા હતા. ટૂંકી માંદગી બાદ તેમનું અવસાન થતાં સમગ્ર સૌરાષ્ટ્રના રાજકીય અને સહકારી ક્ષેત્રમાં શોકની લાગણી ફેલાઈ છે.
પુત્રી જેનીબેન પિતાની અંતિમ વિદાયમાં ભાવુક
વીરજી ઠુમ્મરની અંતિમયાત્રા દરમિયાન પરિવારજનો અને ઉપસ્થિત લોકો ભાવુક બન્યા હતા. તેમની પુત્રી જેનીબેન ઠુમ્મર પિતાના અંતિમ દર્શન કરીને ભાવુક થઈ ગયા હતા. તેમણે પિતાના પાર્થિવ શરીર પર પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
જેનીબેને પિતાની અંતિમયાત્રાને કાંધ પણ આપ્યો હતો. ત્યારબાદ તેઓ ધર્મરથમાં બેસીને સ્મશાન સુધી ગયા હતા. પિતાને અંતિમ વિદાય આપતી પુત્રીના આ દ્રશ્યો જોઈને ઉપસ્થિત લોકો પણ ભાવુક બન્યા હતા.
સાંજે 5 વાગ્યે નિવાસસ્થાનેથી નીકળી અંતિમયાત્રા
વીરજી ઠુમ્મરની અંતિમયાત્રા આજે સાંજે 5 વાગ્યે અમરેલી ખાતે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો, કોંગ્રેસના કાર્યકરો, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો અને સ્થાનિક લોકો જોડાયા હતા.
પક્ષ-વિપક્ષના નેતાઓએ આપી અંતિમ વિદાય
વીરજી ઠુમ્મરના નિધન બાદ તેમને અંતિમ વિદાય આપવા માટે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાંથી રાજકીય આગેવાનો અમરેલી પહોંચ્યા હતા. પક્ષ અને વિપક્ષના ભેદભાવથી ઉપર ઊઠીને વિવિધ નેતાઓએ તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વીરજી ઠુમ્મર અમરેલી લોકસભા બેઠક પરથી 2004થી 2009 સુધી સાંસદ રહ્યા હતા. ત્યારબાદ 2017થી 2022 દરમિયાન લાઠી વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના નિધનથી સૌરાષ્ટ્રના રાજકીય તેમજ સહકારી ક્ષેત્રમાં એક અનુભવી નેતાની ખોટ સર્જાઈ છે.











