પશ્ચિમ રેલવેએ ઉનાળાના વેકેશનમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા અમદાવાદ, મુંબઈ અને સુરતથી બિહાર-બંગાળ માટે ખાસ સમર સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરી છે. જાણો સંપૂર્ણ શિડ્યુલ અને રૂટ.

અમદાવાદ, રવિવાર
ઉનાળાનું વેકેશન શરૂ થતા જ વતન જનારા અને ફરવા નીકળતા મુસાફરોને કારણે ટ્રેનોમાં ટિકિટ મળવી મુશ્કેલ બની જતી હોય છે. મુસાફરોની આ હાલાકીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત (ઉધના) અને મુંબઈથી વિવિધ રૂટ પર 5 નવી ‘ઓન ડિમાન્ડ’ (TOD) સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.
રેલવે તંત્રએ પરપ્રાંતિય શ્રમિકો અને સામાન્ય નાગરિકોને મુસાફરીમાં કોઈ તકલીફ ન પડે તે માટે વોર ફૂટિંગ પર તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ ટ્રેનો મુખ્યત્વે બિહાર, બંગાળ, મુંબઈ અને અમદાવાદના રૂટને કવર કરશે.
પરપ્રાંતિય શ્રમિકો માટે ઉધનાથી ખાસ વ્યવસ્થા
સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા શ્રમિકો માટે બિહાર અને બંગાળ તરફ જવા માટે વધારાની 4 ટ્રેનો શરૂ કરાઈ છે.
ઉધના-સાંત્રાગાછી સ્પેશિયલ (09053/09054): આ ટ્રેન અત્યાધુનિક 22 કોચના ‘અમૃત ભારત રેક’ સાથે દોડશે. ઉધનાથી આ ટ્રેન 20 અને 25 એપ્રિલના રોજ ઉપડશે, જ્યારે પરતમાં 22 અને 27 એપ્રિલના રોજ આવશે. આ ટ્રેન નંદુરબાર, ભૂસાવલ અને નાગપુર જેવા સ્ટેશનો પર ઉભી રહેશે.
બિહાર માટે અનરિઝર્વ્ડ ટ્રેનો: બિહાર જતા મુસાફરો માટે ઉધના-જયનગર (09061) અને ઉધના-મધુબની (09067) સ્પેશિયલ ટ્રેનો 19 એપ્રિલે રવાના થશે. આ ટ્રેનોની ખાસિયત એ છે કે તેમાં તમામ કોચ જનરલ હશે, જેથી મુસાફરો ટિકિટ વિન્ડો પરથી સીધી ટિકિટ લઈને મુસાફરી કરી શકશે.
મુંબઈ-અમદાવાદ અને ઇન્દોર રૂટ પર સુપરફાસ્ટ ટ્રેનો
રેલવેએ મુંબઈથી અમદાવાદ અને ઇન્દોર વચ્ચે પણ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનોની જાહેરાત કરી છે:
મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ (09087/09088): આ સાપ્તાહિક ટ્રેન 22 એપ્રિલથી 28 મે સુધી દર બુધવારે મુંબઈથી અને ગુરુવારે અમદાવાદથી દોડશે. આ ટ્રેન વડોદરા, સુરત અને વાપી જેવા મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજ લેશે.
મુંબઈ સેન્ટ્રલ-ઇન્દોર (09085/09086): આ ટ્રેન 20 એપ્રિલથી 29 મે દરમિયાન દર સોમવાર અને શુક્રવારે દોડશે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ અને ઉજ્જૈન થઈને પસાર થશે.
ટ્રેનોનું સંપૂર્ણ શિડ્યુલ અને વિગત:
ટ્રેન નંબર રૂટ તારીખ / વાર સ્ટોપેજ
09053/54 ઉધના – સાંત્રાગાછી 20, 25 એપ્રિલ નંદુરબાર, ભૂસાવલ, નાગપુર, રાયપુર
09061/62 ઉધના – જયનગર 19 એપ્રિલ (જનરલ) મુખ્ય સ્ટેશનો (બિહાર રૂટ)
09067/68 ઉધના – મધુબની 19 એપ્રિલ (જનરલ) મુખ્ય સ્ટેશનો (બિહાર રૂટ)
09085/86 મુંબઈ – ઇન્દોર સોમવાર, શુક્રવાર વાપી, સુરત, વડોદરા, રતલામ
09087/88 મુંબઈ – અમદાવાદ દર બુધવાર (મુંબઈથી) વાપી, સુરત, વડોદરા, ગેરતપુર
વેસ્ટર્ન રેલવે દ્વારા લેવાયેલો આ નિર્ણય ઉનાળાના વેકેશનમાં વતનની વાટ પકડતા મુસાફરો માટે રાહતના સમાચાર છે. મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ રેલવેની અધિકૃત વેબસાઇટ અથવા સ્ટેશન પરથી વહેલી તકે રિઝર્વેશન કરાવી લે, જેથી છેલ્લી ઘડીએ કોઈ હાલાકી ન ભોગવવી પડે.











