અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો ખતરો ચરમસીમાએ! ડોનાલ્ડ ટ્રમ્પે નાટો સમિટમાં સીઝફાયર ખતમ કરવાની જાહેરાત કરી. સામે ઈરાને અમેરિકાને સાથ આપનારા દેશોને ગંભીર પરિણામ ભોગવવાની ખુલ્લી ધમકી આપી છે.

ઈરાન, બુધવાર
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર ભયંકર યુદ્ધ છેડાઈ જવાની શક્યતાઓ વધી ગઈ છે. બંને દેશો વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ઈરાન સાથેનું સીઝફાયર (યુદ્ધવિરામ) હવે સંપૂર્ણપણે ખતમ થઈ ચૂક્યું છે. સામે પક્ષે ઈરાને પણ ચેતવણી આપી છે કે જે પણ દેશ અમેરિકાને સાથ આપશે, તેણે ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. બુધવારે અમેરિકાએ નવા હુમલા કર્યા બાદ ઈરાને પણ ‘જડબાતોડ’ જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે.
ટ્રમ્પે નાટો સમિટમાં ઈરાન પર કાઢ્યો ગુસ્સો
બુધવારે તુર્કીમાં આયોજિત NATO સમિટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ખૂબ જ આકરા શબ્દોમાં ઈરાન પર પ્રહારો કર્યા હતા. તેમણે પત્રકારોને જણાવ્યું કે, “મારા માટે આ ડીલ પૂરી થઈ ગઈ છે. હું હવે તેમની સાથે કોઈ જ સમજૂતી કરવા માંગતો નથી. તેઓ ખરાબ અને જૂઠા લોકો છે. જો આવા લોકોના હાથમાં ન્યુક્લિયર હથિયાર આવી જશે તો મોટો ખતરો ઊભો થશે.” ટ્રમ્પે ઈરાનના નેતાઓને ‘પાગલ’ ગણાવતા ઉમેર્યું કે, “આવા લોકો સાથે વાતચીત ચાલુ રાખવી એ માત્ર સમયનો બગાડ છે.”
અમેરિકાના 85 સૈન્ય ઠેકાણાઓ પર હુમલો અને ઈરાનની નવી શરત
ઈરાનની સેના (રિવોલ્યુશનરી ગાર્ડ્સ) એ આ વિસ્તારમાં આવેલા અમેરિકાના 85 સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવાની જાહેરાત કરી દીધી છે. ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના વડા ઈબ્રાહિમ અઝીઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આકરૂં વલણ બતાવતા લખ્યું કે, અમેરિકાએ હોર્મુઝ જળમાર્ગમાં ઈરાનની નવી વ્યવસ્થાને માન્યતા આપવી જ પડશે. તેમણે અમેરિકન ઠેકાણાઓ પર થયેલા હુમલાઓને માત્ર એક “શરૂઆતી પ્રતિક્રિયા” ગણાવી છે.
અમેરિકાને સાથ આપનારા દેશોને ખુલ્લી ધમકી
તસ્નીમ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, ઈરાનના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરે એક અત્યંત કડક ચેતવણી આપી છે. ઈરાની સેનાની કમાન્ડ યુનિટે સ્પષ્ટ કહ્યું છે કે, “જો કોઈપણ દેશ અથવા સ્ત્રોત અમેરિકી સેનાને ઈરાન વિરુદ્ધ હુમલો કરવામાં મદદ કરશે, તો ઈરાન તે દેશ કે વિસ્તારને પોતાનો કાયદેસરનો ટાર્ગેટ માનશે અને તેના પર ભયંકર હુમલો કરશે.” આ નિવેદનથી મિડલ ઈસ્ટના અન્ય દેશોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.
અમેરિકન હુમલામાં 1નું મોત, આંતરરાષ્ટ્રીય અપીલ
ઈરાની સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, અમેરિકા દ્વારા રાત્રિના સમયે ખુઝેસ્તાન પ્રાંતના માહશહર, ઈમામ ખુમૈની પોર્ટ અને હમિદિયા શહેરોમાં ઘણા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલાઓમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 2 લોકો ઘાયલ થયા છે.
બીજી તરફ, હોર્મુઝ જળમાર્ગમાં કોમર્શિયલ જહાજો પર થઈ રહેલા હુમલાઓની ઈન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશનના સેક્રેટરી-જનરલ આર્સેનિયો ડોમિંગ્વેઝે કડક શબ્દોમાં નિંદા કરી છે. તેમણે બંને દેશોને મહત્તમ સંયમ રાખવા અને તણાવ ઓછો કરવા માટે અપીલ કરી છે.











