આસામના CM હિમંતા બિસ્વા સરમાએ રાજ્યની બદલાતી જનસંખ્યા પર મોટી ચેતવણી આપી છે. જો બાંગ્લાદેશી મૂળની વસ્તી 50% થશે તો આસામના અસ્તિત્વ પર ખતરો આવશે. વાંચો વિગતે.

આસામ, સોમવાર
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યની બદલાતી ડેમોગ્રાફી (જનસાંખ્યિકી) અને વધતી જતી ઘૂસણખોરીને લઈને એક અત્યંત ગંભીર અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શનિવારે (27 ડિસેમ્બર) ભાજપની રાજ્ય કાર્યકારિણીની બેઠકને સંબોધતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો વસ્તીનું સંતુલન બગડશે, તો આસામને બાંગ્લાદેશમાં ભેળવી દેવાના પ્રયાસો શરૂ થઈ શકે છે.
વસ્તી 50% વટાવશે તો અસ્તિત્વ જોખમાશે
મુખ્યમંત્રીએ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે આસામમાં બાંગ્લાદેશી મૂળના લોકોની સંખ્યા હાલમાં 40%ને વટાવી ગઈ છે. તેમણે કહ્યું કે જો આ આંકડો 50% સુધી પહોંચી જશે, તો આસામની અસ્મિતા અને સંસ્કૃતિ સંપૂર્ણપણે જોખમમાં મુકાઈ જશે. તેમના મતે, આ માત્ર એક રાજકીય મુદ્દો નથી પણ આસામના અસ્તિત્વની લડાઈ છે.
સભ્યતાની લડાઈ અને કોંગ્રેસ પર પ્રહાર
સરમાએ આગામી વિધાનસભા ચૂંટણીને ‘સભ્યતાની લડાઈ’ ગણાવી છે. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે દાયકાઓથી ચાલી રહેલી તુષ્ટિકરણની રાજનીતિને કારણે રાજ્યમાં એક નવી સભ્યતા ઊભી થઈ છે, જેની સંખ્યા હવે અંદાજે 1.5 કરોડ સુધી પહોંચી ગઈ છે. તેમણે લોકોને સવાલ કર્યો કે જો ભવિષ્યમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય, તો આ લોકો કોનો સાથ આપશે?
આંકડા શું કહે છે?
મુખ્યમંત્રીએ વસ્તી ગણતરીના આંકડાઓ રજૂ કરીને ચિંતા વ્યક્ત કરી હતી:
2011ની વસ્તી ગણતરી: મુસ્લિમ વસ્તી 34% હતી, જેમાં 31% બાંગ્લાદેશી મૂળના અને માત્ર 3% સ્થાનિક મુસ્લિમો હતા.
2027નો અંદાજ: આ સંખ્યા વધીને 40% થવાની શક્યતા છે.
ભવિષ્યનું જોખમ: સરમાએ ચિંતા વ્યક્ત કરી કે આવનારી પેઢીના સમય સુધીમાં અસલી આસામી લોકોની વસ્તી ઘટીને માત્ર 30% જ રહી શકે છે.
સાંસ્કૃતિક ઓળખ પર સ્પષ્ટતા
મુખ્યમંત્રીએ આસામની સાંસ્કૃતિક ઓળખને લઈને પણ આકરું વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે આસામ એ ‘શંકર-અઝાન’ (સંત શંકર દેવ અને આઝાન ફકીર) ની ધરતી નથી, પરંતુ માત્ર ‘શંકર-માધવ’ (શંકરદેવ અને તેમના શિષ્ય માધવ દેવ) ની પવિત્ર ભૂમિ છે. તેમણે મહાપુરુષોની સરખામણી અન્ય કોઈ સાથે કરીને સંસ્કૃતિને નબળી પાડવાના પ્રયાસોને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતા.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અહોમ સેનાપતિ લાચિત બોરફુકનના શૌર્યને યાદ કરી રાજ્યની જનતાને જાગૃત થવા હાકલ કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપ સરકાર આસામની જમીન, ઓળખ અને સંસ્કૃતિને બચાવવા માટે મક્કમતાથી લડશે.











