CCTV અને અલ્ટો કારના નંબરના આધારે દહેગામ પોલીસ આરોપીઓ સુધી પહોંચી; રાત્રે જ ચારેયને ઝડપી પાડ્યા : પ્રાથમિક તપાસમાં પારિવારિક મહિલા સાથેના કથિત પ્રેમસંબંધને લઈને થયેલી બોલાચાલી કારણભૂત હોવાની આશંકા; પોલીસે વધુ તપાસ હાથ ધરી

દહેગામ, રવિવાર (અહેવાલ : ગિરીશ પટેલ) : દહેગામમાં ધોળાદિવસે જાહેરમાં એક યુવકનું કારમાં અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. અપહરણ બાદ તાત્કાલિક તપાસમાં લાગેલી દહેગામ પોલીસે CCTV ફૂટેજ અને કારના નંબરના આધારે ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પૂછપરછમાં મળેલી માહિતીના આધારે નર્મદા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવતા અપહરણ કરાયેલા 40 વર્ષીય ભરત ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો છે

મળતી વિગતો અનુસાર દહેગામમાં રહેતા 40 વર્ષીય ભરત ઠાકોર પંકજ સોસાયટી વિસ્તારમાંથી સાયકલ લઈને નીકળ્યા હતા. આ દરમિયાન ચાર વ્યક્તિઓએ તેમને અલ્ટો કારમાં બેસાડી અપહરણ કર્યું હોવાનો મામલો સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતાં દહેગામ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને આસપાસના CCTV કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. પોલીસને અપહરણના સમયનો એક વીડિયો પણ મળ્યો હતો, જેના આધારે અલ્ટો કારનો નંબર શોધવામાં સફળતા મળી હતી.

કારના નંબરના આધારે તપાસ આગળ વધારતા પોલીસ તલોદ ખાતે રહેતા નોંધાયેલા કાર માલિક સુધી પહોંચી હતી. જોકે ત્યાં તપાસમાં સામે આવ્યું કે આ કાર આશરે બે વર્ષ પહેલાં જ વેચી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસનો દોર આગળ વધારી હાલમાં કાર જેની પાસે હતી તે વ્યક્તિ સુધી પહોંચીને ચારેય શખ્સોની ઓળખ કરી હતી.

પોલીસે રાત્રે જ કાર્યવાહી કરીને દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામના કિરણસિંહ ખોડસિંહ ચૌહાણ, શિયાવાડા ગામના અરવિંદસિંહ ફતેસિંહ પરમાર, પહાડભાઈની મુવાડી ગામના સુનિલસિંહ દશરથસિંહ ચૌહાણ અને આ જ ગામના વિજયકુમાર છત્રસિંહ ચૌહાણને ઝડપી લીધા હતા.
ચારેય આરોપીઓ ઝડપાઈ ગયા હોવા છતાં ભરત ઠાકોર ક્યાં છે તેનો પત્તો નહીં લાગતા પોલીસ માટે ચિંતા વધી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ભરત ઠાકોરને અપહરણ બાદ પંકજ સોસાયટીના ગેટ પાસે ઉતારી દીધા હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસની સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓના નિવેદનોમાં સામે આવેલી વિગતોના આધારે તપાસને નવો વળાંક મળ્યો હતો.
પોલીસ તપાસ મુજબ આરોપીઓ ભરત ઠાકોરને કારમાં બેસાડી બહિયલ નજીક અપ્રુજી વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલ પાસે લઈ ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ત્યાં કેટલાક આરોપીઓએ દારૂનું સેવન કર્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે મુખ્ય આરોપી કિરણસિંહ અને ભરત ઠાકોરે દારૂ પીધો ન હોવાનું જણાવાયું છે. ત્યારબાદ ભરત ઠાકોરને નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા હોવાની માહિતી મળતાં પોલીસે મોડી રાતથી કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી.
સતત શોધખોળ બાદ આજે નર્મદા કેનાલમાંથી ભરત ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળ્યા બાદ સમગ્ર મામલો અપહરણથી હત્યાના ગંભીર ગુનામાં ફેરવાયો છે. દહેગામ પોલીસે આ મામલે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ભરત ઠાકોરના પરિવારની એક મહિલા સાથે મુખ્ય આરોપી કિરણસિંહને કથિત પ્રેમસંબંધ હોવાની બાબતે અગાઉ બોલાચાલી થઈ હોવાનું અને તેના કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે હત્યાનું ચોક્કસ કારણ, ઘટનામાં દરેક આરોપીની ભૂમિકા અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસની વધુ તપાસ ચાલુ છે.











