T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવીને મેજર અપસેટ સર્જ્યો છે. 170 રનના ટારગેટ સામે કાંગારુ ટીમ ઘૂંટણીયે પડી. વાંચો રોમાંચક મેચનો સંપૂર્ણ અહેવાલ.

કોલંબો, શુક્રવાર
ક્રિકેટની રમતમાં ક્યારે શું થાય તે કહેવું મુશ્કેલ છે અને ચાલુ T20 વર્લ્ડ કપમાં આ વાત વારંવાર સાબિત થઈ રહી છે. ભારત, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ જેવી દિગ્ગજ ટીમોએ નાની ટીમો સામે જીતવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો છે, પરંતુ ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં તો હદ થઈ ગઈ. ઝિમ્બાબ્વે જેવી કહેવાતી નાની ટીમે શક્તિશાળી ઓસ્ટ્રેલિયાને હરાવીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. ઝિમ્બાબ્વેએ આપેલા 170 રનના ટારગેટ સામે કાંગારુ ટીમ લાચાર જોવા મળી હતી અને અંતે 23 રને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
ઝિમ્બાબ્વેના બેટરોએ કોલંબોમાં તોફાન મચાવ્યું
કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઝિમ્બાબ્વેના બેટરોએ શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયન બોલરો પર પ્રભુત્વ જમાવ્યું હતું. નિર્ધારિત ઓવરોમાં ઝિમ્બાબ્વેએ માત્ર 2 વિકેટ ગુમાવીને 169 રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો.
ઝિમ્બાબ્વે તરફથી બ્રાયન બેનેટે શાનદાર બેટિંગ કરતા અણનમ 64 રન (56 બોલ) ફટકાર્યા હતા. આ સિવાય મારુમનીએ 21 બોલમાં ઝડપી 35 રન અને રાયન બર્લે 30 બોલમાં 35 રનનું યોગદાન આપ્યું હતું. ઈનિંગના અંતમાં સિકંદર રઝાએ આક્રમક બેટિંગ કરતા માત્ર 12 બોલમાં અણનમ 25 રન ઝૂડી કાઢ્યા હતા, જેના કારણે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 170 રનનો મુશ્કેલ લક્ષ્યાંક મળ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરનો રકાસ
170 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઝિમ્બાબ્વેના બોલરો સામે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટરો ટકી શક્યા ન હતા. ઓપનર જોશ ઈંગ્લિશ માત્ર 8 રન (4 બોલ) અને ટ્રેવિસ હેડ 17 રન (15 બોલ) બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
ત્યારબાદ પરિસ્થિતિ વધુ વણસી હતી જ્યારે કેમરુન ગ્રીન અને વિસ્ફોટક બેટર ટીમ ડેવિડ ખાતું ખોલાવ્યા વિના જ (0 રન) આઉટ થઈ ગયા હતા. પાવરપ્લેમાં જ ટોચના ચાર બેટરો આઉટ થઈ જતા ઓસ્ટ્રેલિયાની ટીમ ભારે દબાણમાં આવી ગઈ હતી અને મેચમાં ઝિમ્બાબ્વેનો પક્ષ મજબૂત થઈ ગયો હતો.
રેનશોની લડત અને મુઝારબાનીનો તરખાટ
મુશ્કેલ પરિસ્થિતિમાં ગ્લેન મેક્સવેલ અને મેટ રેનશોએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. મેક્સવેલે 22 બોલમાં 31 રન બનાવ્યા હતા, પરંતુ તે આઉટ થયા બાદ માર્કસ સ્ટોઇનિસ પણ માત્ર 6 રન બનાવીને ચાલતો થયો હતો. બેન ડુવારીસ (6 રન) નો કેચ ટોચીએ ચિત્તાની જેમ ઝડપી લેતા ઓસ્ટ્રેલિયાને 7મો ઝટકો લાગ્યો હતો.
ઓસ્ટ્રેલિયા તરફથી મેટ રેનશોએ એકલા હાથે કિલ્લો લડાવ્યો હતો. તેણે 44 બોલમાં 65 રન બનાવીને મેચમાં જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ મુઝારબાનીના બોલ પર રાયન બર્લના હાથે કેચ આઉટ થયો હતો.
બોલિંગમાં ઝિમ્બાબ્વેના હિરો મુઝારબાની રહ્યા હતા. તેણે પોતાના શાનદાર સ્પેલમાં માત્ર 17 રન આપીને ઓસ્ટ્રેલિયાની 4 મહત્વની વિકેટો ઝડપી હતી. અંતમાં એડમ ઝમ્પા (2 રન) અને મેથ્યુ કુહેનમેન (0 રન) રનઆઉટ થતા ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નાથાન એલિસ 7 રન બનાવી અણનમ રહ્યો હતો. આમ, ઝિમ્બાબ્વેએ 23 રને મેચ જીતીને એક મોટો અપસેટ સર્જ્યો હતો.











