આ કૌભાંડનો પર્દાફાશ સૌપ્રથમ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો. SOGએ અત્યાર સુધીમાં 5થી વધુ લોકોની ધરપકડ કરી છે અને 100 કરોડથી વધુના બેનામી વ્યવહારો શોધી કાઢ્યા છે.

સુરત, ગુરૂવાર
સુરતમાં 100 કરોડના મોટા USDT કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આજે વહેલી સવારે મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા સુરતના ભાગાતળાવ વિસ્તારમાં રહેતા મુખ્ય આરોપી મકબુલ ડોક્ટર સહિત અન્ય આરોપીઓના નિવાસ્થાનો અને ઓફિસો પર પાડવામાં આવ્યા છે. EDની એક ટીમ સુરત ઉપરાંત અમદાવાદમાં પણ આ મામલે તપાસ ચલાવી રહી છે.
સેવિંગ્સ એકાઉન્ટનો દુરુપયોગ અને ડિજિટલ એરેસ્ટની ધમકી
પ્રાથમિક તપાસ મુજબ, આ રેકેટમાં સાયબર ફ્રોડ દ્વારા વિદેશમાં મોકલાયેલી કરોડોની રકમનો સ્ત્રોત અને ચેનલ શોધવા તેમજ લાભાર્થીઓને પકડવાના ઇરાદે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આરોપીઓ સામાન્ય લોકોને મહિને 10,000થી 12,000 આપવાની લાલચ આપીને તેમના સેવિંગ્સ એકાઉન્ટ ભાડે રાખતા હતા. આ એકાઉન્ટનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો માટે થતો હતો. આ ઉપરાંત, ઠગ ટોળકી પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓના નામે ડિજિટલ એરેસ્ટ અને નકલી સમન્સ અથવા કોલ કરીને લોકોને છેતરતી હતી.
SOG બાદ EDની એન્ટ્રી: હવાલા અને ક્રિપ્ટોકરન્સીનો કનેક્શન
આ કૌભાંડનો પર્દાફાશ સૌપ્રથમ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો. SOGએ અત્યાર સુધીમાં 5થી વધુ લોકોની ધરપકડ કરી છે અને 100 કરોડથી વધુના બેનામી વ્યવહારો શોધી કાઢ્યા છે. તપાસ દરમિયાન, આ નાણાં હવાલા અને આંગડિયા મારફતે દેશ-વિદેશમાં મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ રિપોર્ટ EDને સુપરત કરવામાં આવતા, EDએ પણ આ મામલે તપાસ શરૂ કરી છે.
USDT ક્રિપ્ટોકરન્સી દ્વારા દુબઈ મોકલાતા હતા નાણાં
આ પ્રકરણમાં મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, કાસીફ મકબુલ ડોક્ટર, અબ્દુલ રહીમ નાડા, બસ્સામ મકબુલ ડોક્ટર, મુતુર્ઝા ફારુક શેખ, અને મહેશ મફતલાલ દેસાઈ સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. SOGની તપાસમાં બહાર આવ્યું હતું કે, મકબુલ અને તેના પુત્ર સહિતના આરોપીઓ 100 કરોડની હવાલા, ઓનલાઈન સાયબર ફ્રોડ, ચાઈનીઝ ગેમ અને ક્રિકેટ સટ્ટા સહિતની ગેરકાયદેસર કમાણી દુબઈથી હવાલા મારફતે સુરતમાં આંગડિયા દ્વારા મંગાવતા હતા. ત્યારબાદ આ રકમને USDT ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરીને ફરી પાછી દુબઈ મોકલવામાં આવતી હતી.











