અમદાવાદના નિકોલમાં દુબઈથી ચાલતા 324 કરોડના સટ્ટા નેટવર્કનો પર્દાફાશ, 2188 બેંક એકાઉન્ટ્સ જપ્ત, SMCની મોટી કાર્યવાહી

અમદાવાદના નિકોલમાંથી SMC એ 324 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને ઓનલાઈન સટ્ટા નેટવર્કનો ભાંડો ફોડ્યો છે. 2188 મ્યુલ એકાઉન્ટ્સ અને દુબઈ કનેક્શનની સંપૂર્ણ વિગતો જાણો.

અમદાવાદ, સોમવાર
શહેરમાં વધુ એક મોટા સાયબર ફ્રોડ અને સટ્ટા નેટવર્કનો ભાંડો ફૂટ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ધમધમી રહેલા હાઈટેક ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના આંતરરાષ્ટ્રીય રેકેટનો સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડ માત્ર સામાન્ય જુગાર પૂરતું સીમિત ન હતું, પરંતુ તેના તાર છેક દુબઈ સુધી જોડાયેલા છે.

324 કરોડનું કૌભાંડ અને 2188 મ્યુલ એકાઉન્ટ્સ
પોલીસને તપાસ દરમિયાન ડિજિટલ પુરાવા અને વોટ્સએપ ગ્રૂપની ચકાસણી કરતા મોટી સફળતા મળી છે. પોલીસને કુલ 2188 જેટલા શંકાસ્પદ મ્યુલ બેંક એકાઉન્ટ્સ (ભાડે લેવાયેલા ખાતા) મળી આવ્યા છે. આ ખાતાઓ મારફતે દેશભરમાં 324 કરોડથી વધુની માતબર રકમનું સાયબર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આમાંથી 354 ખાતાઓ પર સાયબર ફ્રોડની ફરિયાદો હોવાથી તે અગાઉથી જ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા.

દુબઈથી ચાલતું હતું 40% કમિશનનું નેટવર્ક
છેલ્લા બે વર્ષથી ચાલતા આ ગોરખધંધાનો મુખ્ય આરોપી આકાશ રત્નાકર નાયક દુબઈમાં બેઠેલા યુઆન નામના શખ્સના સીધા સંપર્કમાં હતો. આકાશને દુબઈથી ક્રિકેટ સટ્ટા અને નાણાંની લેવડ-દેવડ માટે 40% કમિશન મળતું હતું. આકાશે ભારતના અલગ-અલગ રાજ્યોમાં 20 થી 25% કમિશન આપીને પોતાના એજન્ટો રોક્યા હતા. આ સમગ્ર કૌભાંડનું આંતરરાષ્ટ્રીય સંચાલન દુબઈથી યુઆન કરતો હતો.

નિકોલમાંથી લોકલ ઓપરેટર 15.73 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો
SMC ની ટીમે પાક્કી બાતમીના આધારે નિકોલમાં દરોડો પાડીને સ્થાનિક ઓપરેટર વિજયકુમાર વલ્લભભાઈ કરડાણીને ઓનલાઈન સટ્ટો રમાડતા રંગેહાથ ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી એક હેરિયર કાર, ટેબલેટ, 3 મોબાઈલ, ટીવી અને સેટઅપ બોક્સ મળીને કુલ 15.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વિજયના મોબાઈલમાંથી 281 બેંક એકાઉન્ટની વિગતો મળી છે, જેમાંથી 50 ખાતા પહેલેથી ફ્રીઝ છે.

અનિલ કોટક અને અન્ય સાગરીતોની ભૂમિકા
નાણાકીય વ્યવહારો સંભાળતા અનિલ ગોકળદાસ ઉર્ફે ગોપાલદાસ કોટકના મોબાઈલમાંથી સૌથી વધુ 1907 બેંક ખાતાઓનો ડેટા મળ્યો છે (જેમાંથી 304 ફ્રીઝ છે). કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનમાં પોતાની ઓળખ છુપાવવા માટે મિત જયેશભાઈ કાલરિયા અને જય ઉર્ફે રાજા લલીતભાઈ અઘેરા આ મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરતા હતા. તેમને અમદાવાદનો નિકુંજ અને બનાસકાંઠાના થરાદનો પ્રફુલ પણ મદદ કરી રહ્યા હતા.

47 આરોપીઓ સામે ગુનો, મુખ્ય સૂત્રધાર ફરાર
આ સમગ્ર સિન્ડિકેટનો મુખ્ય સંચાલક રાજવીરસિંઘ હાલ પોલીસ પકડથી દૂર છે અને વોન્ટેડ છે. આ ષડયંત્રમાં કમિશન ખાનારા અન્ય આરોપીઓમાં હર્ષલ દાફડા, કરણ ઠાકોર, ચેતન વાછાણી, રોહન થાપા, સમ્રાટ પટેલ, નિથિનસિંઘ, ટોમ ઠક્કર અને હાર્દિક ડાભીના નામ ખુલ્યા છે.

હાલમાં પોલીસે તમામ મુખ્ય સાગરીતો અને 46 જેટલા ગ્રાહકો સહિત કુલ 47 આરોપીઓ સામે આઈ.ટી. એક્ટ (IT Act) અને જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. આ આંતરરાષ્ટ્રીય કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે SMC દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા માથાઓ પકડાય તેવી શક્યતા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!