ગંભીરા બ્રિજ દુર્ઘટના: 13મા દિવસે પણ સવાલો યથાવત, ટેન્કર લટકતું, પરિવારની આસ અને તંત્રની દોડધામ

કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે ટેન્કર માલિક અને ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. કલેક્ટરે ખાતરી આપી છે કે જો ટેન્કર સ્ક્રેપ પણ થાય તો પણ માલિકને ઈન્સ્યોરન્સની યોગ્ય રકમ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરો સહયોગ આપવામાં આવશે.

વડોદરા, મંગળવાર
મુજપુર-ગંભીરા બ્રિજ પરની ગોઝારી દુર્ઘટનાને આજે 13 દિવસ વીતી ગયા છે, છતાં પણ અનેક પ્રશ્નોના જવાબ મળ્યા નથી. આ ભયાનક અકસ્માતમાં 20 જેટલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ એક નામ હજુ પણ લાપતા છે વિક્રમ પઢીયાર.

વિક્રમ પઢીયારનો પરિવાર આજે પણ આશામાં
વિક્રમ પઢીયારના પરિવારજનોએ ભારે હૈયે તેનું પુતળું બનાવીને અંતિમક્રિયા કરી દીધી છે. જોકે, તેમના મનમાં ક્યાંક આશાનો એક કિરણ જીવંત છે કે કદાચ વિક્રમનો મૃતદેહ મળી આવે. આ દુર્ઘટનાએ અનેક પરિવારોની જિંદગી વેરવિખેર કરી નાખી છે.

શિવમ રોડલાઇન્સનું ટેન્કર, માલિકની મુશ્કેલીઓ
આ દુર્ઘટનાના કેન્દ્રમાં રહેલું શિવમ રોડલાઇન્સનું ટેન્કર હજુ પણ બ્રિજ પર લટકતી હાલતમાં છે. આશ્ચર્યજનક રીતે, ટેન્કરચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ ટેન્કર માલિક માટે આ સમગ્ર ઘટના એક આર્થિક દુઃસ્વપ્ન બની રહી છે. 30 લાખની લોન અને દર મહિને 82,000ના EMI (હપ્તા) વચ્ચે તેમનું ટેન્કર નિષ્ક્રિય પડ્યું છે. સૌથી દુઃખદ બાબત એ છે કે ટેન્કર ચાલતું ન હોવા છતાં પણ બેન્ક દ્વારા લોન હપ્તો કાપી લેવામાં આવ્યો હતો.

વહીવટી તંત્રનો સહયોગ અને ટેન્કર હટાવવાની ચેલેન્જ
આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે ટેન્કર માલિક અને ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે કે જો ટેન્કર સ્ક્રેપ પણ થાય તો પણ માલિકને ઈન્સ્યોરન્સની યોગ્ય રકમ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરો સહયોગ આપવામાં આવશે.

જોકે, ટેન્કરને બ્રિજ પરથી હટાવવાનો મુદ્દો પણ એક ગંભીર પડકાર બની ગયો છે. વડોદરા R&B વિભાગે મિકેનિકલ, ટેકનિકલ અને એક્સપર્ટ ટીમોને સ્થળ પર મોકલી છે. વર્તમાન સંજોગોમાં કોઈ ભારે ક્રેનનો ઉપયોગ જોખમી સાબિત થઈ શકે છે. આથી, ટેક્નિકલ સમાધાન શોધવા માટે હાઈ સ્પીડ રેલવે, આર્મી અને L&T જેવી એજન્સીઓ પાસેથી પણ અભિપ્રાયો લેવામાં આવ્યા છે. આ સમગ્ર ઓપરેશનમાં સુરક્ષા અને ટેકનિકલ પાસાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!