નેતન્યાહૂ વિરુદ્ધ 57 દેશોની OIC બેઠક: ઇઝરાયલના UN સભ્યપદ પર લટકતી તલવાર

57 ઇસ્લામિક દેશોના સંગઠન OICએ ઇઝરાયલનું UN સભ્યપદ રદ કરવાની માંગ કરી છે. ગાઝામાં ઇઝરાયલના મિલિટરી કંટ્રોલ અને પત્રકારો પર થયેલા હુમલા બાદ આ મુદ્દો ગરમાયો છે. ટ્રમ્પની નિંદા અને નેતન્યાહૂની માફી છતાં ઇઝરાયલ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે.

સાઉદી અરેબિયા, ગુરુવાર
ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC)ના 57 સભ્ય દેશોએ ઇઝરાયલ વિરુદ્ધ એક મોટો મોરચો ખોલ્યો છે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી એક બેઠકમાં OICએ યુનાઈટેડ નેશન્સ (UN)માં ઇઝરાયલનું સભ્યપદ રદ કરવાની માંગ કરી છે. આ દેશોનું કહેવું છે કે ઇઝરાયલ UNની સભ્યપદની શરતોનું સતત ઉલ્લંઘન કરી રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા માટે ગંભીર ખતરો છે.

ગાઝા પર સંપૂર્ણ મિલિટરી કંટ્રોલનો વિરોધ
આ બેઠકમાં OICના વિદેશ મંત્રીઓએ ગાઝા પર ઇઝરાયલના સંપૂર્ણ મિલિટરી કંટ્રોલની જાહેરાતનો સખત વિરોધ કર્યો. સંગઠને આ મુદ્દા પર સપ્ટેમ્બરમાં UN જનરલ એસેમ્બલીની સિક્યોરિટી કાઉન્સિલની એક ખાસ બેઠક બોલાવવાની અપીલ પણ કરી છે. OICએ ‘ગ્રેટર ઇઝરાયલ’ની કલ્પનાને ઉશ્કેરણીજનક ગણાવી છે અને આને દેશોની સાર્વભૌમત્વ પર હુમલો ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આવા નિવેદનોથી પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ જોખમમાં મૂકાય છે.

હોસ્પિટલ પરના હુમલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે રોષ
તાજેતરમાં, ઇઝરાયલે ગાઝાની એક હોસ્પિટલ પર એરિયલ એટેક કર્યો હતો, જેમાં 5 પત્રકારો સહિત 20 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે નિંદા નોતરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ હુમલાની નિંદા કરતા કહ્યું કે તેઓ આનાથી ખુશ નથી.

જોકે, ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ આ ઘટનાને ‘દુઃખદ અકસ્માત’ ગણાવી માફી માંગી છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF)ના પ્રવક્તા એફી ડેફ્રિને પણ પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું કે IDF જાણી જોઈને નાગરિકોને ટાર્ગેટ કરતું નથી.

પત્રકારો અને તબીબી સ્ટાફના મૃત્યુ
કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સ (CPJ)ના રિપોર્ટ અનુસાર, ઇઝરાયલ-હમાસ યુદ્ધના 22 મહિનામાં ઓછામાં ઓછા 192 પત્રકારો માર્યા ગયા છે, જેમાં 189 પેલેસ્ટિનિયન પત્રકારો છે. UN મુજબ, ગાઝામાં ઇઝરાયલી હુમલાઓમાં 1,500થી વધુ મેડિકલ પ્રોફેશનલ્સ પણ શહીદ થયા છે. આ આંકડા યુદ્ધની ભયાનકતા દર્શાવે છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય પર ઇઝરાયલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે દબાણ વધારી રહ્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!