છત્તીસગઢ સરકારે દારૂની દુકાનોમાં હવે માત્ર ઓનલાઇન પેમેન્ટનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી દારૂ કૌભાંડ અટકાવવા અને ભ્રષ્ટાચારને નાથવાનો હેતુ છે. વાંચો આ નવા નિયમની સંપૂર્ણ વિગતો અને તેના સંભવિત પરિણામો.

છત્તીસગઢ, ગુરૂવાર
છત્તીસગઢમાં ભાજપ શાસિત સરકારે એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. રાજ્યની તમામ દારૂની દુકાનો હવે ટૂંક સમયમાં જ કેશલેસ થવા જઈ રહી છે. આબકારી વિભાગનો હવાલો સંભાળતા મંત્રી લખનલાલ દેવાંગને આ માટે સત્તાવાર સૂચનાઓ આપી દીધી છે. આ નવા નિયમ મુજબ, હવે દારૂની દુકાનોમાં કોઈપણ વ્યક્તિ માત્ર ઓનલાઇન પેમેન્ટ દ્વારા જ દારૂ ખરીદી શકશે, જ્યારે કેશ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.
આ પગલું ખાસ કરીને રાજ્યમાં થયેલા અગાઉના 3200 કરોડ રૂપિયાના દારૂ કૌભાંડને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. આ કૌભાંડ બાદ, સરકારે દારૂના વેચાણમાં પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચાર અટકાવવા પર ભાર મૂક્યો છે. મંત્રી દેવાંગને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દારૂની દુકાનોમાં 100% ટ્રાન્ઝેક્શન ઓનલાઇન થવા જોઈએ, જેનાથી ગેરરીતિઓ થતી અટકાવી શકાય.
આ સાથે, ભ્રષ્ટાચાર અને કૌભાંડને અટકાવવા માટે અન્ય કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. દરેક દારૂની દુકાનોમાં CCTV કેમેરા લગાવવામાં આવશે અને તેનું મોનિટરિંગ 24 કલાક મુખ્ય મથકથી કરવામાં આવશે. આનાથી દુકાનોમાં ચાલતી પ્રવૃત્તિઓ પર સીધી નજર રાખી શકાશે.
નવા આબકારી મંત્રીએ માત્ર દુકાનો પર જ નહીં, પરંતુ ગેરકાયદેસર વેચાણ અને દારૂના વપરાશ પર પણ કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. તેમણે હોટલ, ઢાબા અને ખાસ કરીને ફાર્મ હાઉસમાં ચાલતી દારૂ પાર્ટીઓ પર નજર રાખવા અને તાત્કાલિક પગલાં લેવા આદેશ કર્યો છે. આ સિવાય, રાજ્યની બોર્ડર પર પણ ચેકપોસ્ટ પર તકેદારી વધારવામાં આવશે જેથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવી શકાય.
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં દારૂનો વપરાશ ઊંચો છે અને રાજ્ય સરકાર પોતે જ દારૂની દુકાનો ચલાવે છે. આ નવા નિયમોનો હેતુ માત્ર રેવન્યુ વધારવાનો જ નહીં, પરંતુ સમગ્ર સિસ્ટમને ક્લીન અને ટ્રાન્સપરન્ટ બનાવવાનો પણ છે. આ નિર્ણયોથી આગામી સમયમાં દારૂના વેચાણમાં મોટા ફેરફારો જોવા મળશે તેવી અપેક્ષા છે.











