ગાંધીનગરમાં 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી, ગુજરાત સાયબર ક્રાઈમ માટે સ્પેશિયલ યુનિટ સ્થાપવાની જાહેરાત

ગાંધીનગરમાં 79માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું. જાણો ગુજરાતમાં સાયબર ક્રાઈમને રોકવા માટે 500 કરોડના બજેટ સાથે તૈયાર થઈ રહેલા સ્પેશિયલ યુનિટ વિશે.

ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગરના રામકથા મેદાન ખાતે 79માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ ગૌરવશાળી પ્રસંગે મોટી સંખ્યામાં લોકો, પોલીસકર્મીઓ, અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સૌએ તિરંગો લહેરાવીને દેશભક્તિનો માહોલ બનાવ્યો હતો.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, “દુનિયાભરમાં સાયબર ક્રાઈમની ચેલેન્જ વધી રહી છે, અને ગુજરાત સાયબર ક્રાઈમ સામે લડવા માટે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે.” તેમણે જાહેરાત કરી કે, ગુજરાતમાં સાયબર ક્રાઈમ માટે એક સ્પેશિયલ યુનિટની સ્થાપના કરવામાં આવશે.

આ નવા યુનિટ માટે 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ યુનિટમાં સિનિયર અધિકારીઓથી લઈને SP સુધીના તમામ લોકોની એક ટીમ હશે. આ સાથે જ, ટેકનિકલ એક્સપર્ટ્સની એક ટીમ પણ આ યુનિટમાં જોડાશે. આ યુનિટનું મુખ્ય કામ રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા સાયબર ક્રાઈમ યુનિટ્સને સપોર્ટ પૂરો પાડવાનું રહેશે. આ યુનિટ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે.

આ પ્રસંગે ગૃહમંત્રીએ સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કર્યા હતા અને દરેક નાગરિકને દેશની પ્રગતિમાં યોગદાન આપવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં બાળકો દ્વારા દેશભક્તિના ગીતો અને નૃત્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આખું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!