બલકૌર સિંહે પોતે જાહેરાત કરી છે કે તેઓ પંજાબની આગામી વિધાનસભા ચૂંટણીમાં માનસા બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે.
પંજાબના લોકપ્રિય દિવંગત ગાયક સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહ ટૂંક સમયમાં રાજકારણમાં આવી શકે છે. બલકૌર સિંહે પોતે જાહેરાત કરી છે કે તેઓ પંજાબની આગામી વિધાનસભા ચૂંટણીમાં માનસા બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે.
નોંધનીય છે કે આ તે જ બેઠક છે જ્યાંથી તેમના પુત્ર સિદ્ધુ મૂસેવાલાએ ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી, જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા. સિદ્ધુ મૂસેવાલા (શુભદીપ સિંહ સિદ્ધુ)ની ૨૯ મે, ૨૦૨૨ના રોજ માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
રવિવારે માનસામાં કોંગ્રેસ પાર્ટીના એક કાર્યક્રમમાં જનસભાને સંબોધતા બલકૌર સિંહે કહ્યું કે, “માનસાના લોકોએ મારા પુત્રને ગુમાવ્યા પછી મને શક્તિ આપી છે અને તેઓ હજી પણ પરિવાર સાથે ઊભા છે.” તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “અમે ચૂંટણી લડીશું. મને તમારા સમર્થનની જરૂર છે. તમે મારી તાકાત છો.”
બલકૌર સિંહે ભાવુક થઈને કહ્યું કે, “વિધાનસભા પહોંચવું એ મારા પુત્રની અધૂરી ઇચ્છા હતી. અમે ચૂંટણી લડીશું અને જીતીશું. પછી હું મારા પુત્રની ઇચ્છા પૂરી કરવા માટે તેનો ફોટો લઈને વિધાનસભા જઈશ.” તેમના આ નિર્ણયને પગલે પંજાબના રાજકારણમાં નવો વળાંક આવી શકે છે.












