અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદી સંગઠન હમાસને આકરી ચેતવણી આપી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદી સંગઠન હમાસને આકરી ચેતવણી આપતા કહ્યું છે કે, જો તે ગાઝામાં સત્તા છોડવાનો ઇનકાર કરશે અને તેમના શાંતિ પ્રસ્તાવને સ્વીકાર નહીં કરે, તો તેને સંપૂર્ણપણે તબાહ કરી દેવામાં આવશે. ટ્રમ્પે હમાસને ગાઝા પીસ પ્લાન સ્વીકારવા માટે રવિવારે સાંજે 6 વાગ્યા (અમેરિકી સમય અનુસાર) સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું.
ટ્રમ્પે શનિવારે સીએનએનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (BB) ગાઝામાં બોમ્બમારાને રોકવા અને અમેરિકાની આ શાંતિ યોજનાનું સમર્થન કરવા માટે તૈયાર છે.
રવિવારે પ્રસારિત થયેલા આ ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમને જલ્દી જ ખબર પડી જશે કે હમાસ ખરેખર શાંતિ માટે પ્રતિબદ્ધ છે કે નહીં.
સખત અલ્ટિમેટમ:
ટ્રમ્પે શુક્રવારે હમાસને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં સમજૂતી નહીં થાય તો ‘તેમના પર દરેક પ્રકારનો નરક તૂટી પડશે’. આ 20-સૂત્રીય શાંતિ પ્રસ્તાવમાં અત્યાર માટે લડાઈ બંધ કરવા ઉપરાંત ગાઝાના યુદ્ધ પછીના વહીવટ (Post-War Administration) નું માળખું પણ રજૂ કરાયું છે. વ્હાઇટ હાઉસે આ યોજનાને સંઘર્ષ સમાપ્ત કરવા અને ક્ષેત્રના ભવિષ્યના વહીવટ માટેના બ્લૂપ્રિન્ટ તરીકે ગણાવી છે.











