કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સ્પષ્ટતા કરી છે કે અમદાવાદ એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશની તપાસમાં કોઈ હેરાફેરી નથી, જે ALPAના આક્ષેપો પછી આવ્યું છે. જાણો તપાસની સ્થિતિ અને પારદર્શિતા વિશે.

અમદાવાદ, બુધવાર
12 જૂનના રોજ થયેલા અમદાવાદ એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશની તપાસને લઈને ઊભા થયેલા સવાલો વચ્ચે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે હેરાફેરી થઈ રહી નથી.
પાયલટ એસોસિયેશનના આક્ષેપો પર ખુલાસો
મંત્રી નાયડુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એરલાઇન પાયલટ્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા એ AAIBની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ALPAનો આરોપ હતો કે પ્લેન ક્રેશ અંગેનો પ્રારંભિક રિપોર્ટ ઉતાવળમાં અને દબાણ હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો.
આ આક્ષેપોનો જવાબ આપતા નાયડુએ સ્પષ્ટપણે કહ્યું કે, “તપાસમાં કોઈ પણ પ્રકારની ગડબડી થઈ રહી નથી. AAIB સત્ય અને નિયમોને ધ્યાનમાં રાખીને જ તપાસ કરી રહ્યું છે. તપાસમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવી રહી છે અને તેમના પર ઉતાવળમાં રિપોર્ટ તૈયાર કરવા માટે કોઈ દબાણ નથી.”
અંતિમ રિપોર્ટની રાહ જોવી પડશે
ઉડ્ડયન મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, “વાસ્તવમાં શું થયું હતું તે જાણવા માટે દરેક વ્યક્તિએ AAIBના અંતિમ તપાસ રિપોર્ટની રાહ જોવી પડશે.” તેમનું કહેવું છે કે AAIB સ્વતંત્ર રીતે અને પારદર્શક અભ્યાસ કરીને અંતિમ રિપોર્ટ પર કામ કરી રહ્યું છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના
ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર-AI171 12 જૂનના રોજ એક ગમખ્વાર અકસ્માતનો ભોગ બની હતી. આ ફ્લાઇટ બીજે મેડિકલ કૉલેજ સાથે અથડાઈને દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ગોઝારી ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ 260 લોકોના મોત થયા હતા, જેમાં મેડિકલ કૉલેજના હોસ્ટેલના અને આસપાસના રહેવાસીઓ પણ સામેલ હતા. આ દુર્ઘટનામાં માત્ર એક જ મુસાફર જીવિત બચ્યો હતો.











