બોલિવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત સોમવારે અચાનક લથડતા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બોલિવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત સોમવારે અચાનક લથડતા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધર્મેન્દ્રના પુત્ર અને અભિનેતા સની દેઓલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે તેમના પિતાની હાલત સ્થિર છે અને તેઓ ડોકટરોની સઘન દેખરેખ હેઠળ છે. સની દેઓલે ચાહકોને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી છે.
ધર્મેન્દ્રની નાદુરસ્ત તબિયતના સમાચાર મળતા જ બોલિવૂડના સુપરસ્ટાર્સ તેમનું હાલ જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. સોમવારની મોડી રાત્રે સલમાન ખાન અને શાહરૂખ ખાન બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા. શાહરૂખ ખાનની સાથે તેમના પુત્ર આર્યન ખાન પણ જોવા મળ્યા હતા. બંને સ્ટાર્સ હોસ્પિટલમાં થોડો સમય રોકાયા બાદ રવાના થયા હતા.
ધર્મેન્દ્રના ઘરે મોટી સંખ્યામાં ચાહકો અને મીડિયાની ભીડ એકઠી થતા, મુંબઈ પોલીસે તેમના ઘરની બહાર બેરિકેડિંગ પણ લગાવી દીધું છે. સમગ્ર બોલિવૂડ ઇન્ડસ્ટ્રી અને ચાહકો ધર્મેન્દ્ર જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે











