રાષ્ટ્રીય રાજધાનીના વ્યસ્ત વિસ્તાર લાલ કિલ્લા નજીક એક કારમાં થયેલા ભીષણ ધમાકાથી અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયા છે.

સોમવારે સાંજે લગભગ ૬.૫૫ વાગ્યે, રાષ્ટ્રીય રાજધાનીના વ્યસ્ત વિસ્તાર લાલ કિલ્લા નજીક એક કારમાં થયેલા ભીષણ ધમાકાથી અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયા છે અને ૨૪ લોકો ઘાયલ થયા છે, જેમને લોકનારાયણ જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ગંભીર ઘટના બાદ કેન્દ્ર સરકારે તાત્કાલિક એક્શન લીધા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગૃહમંત્રીએ વડાપ્રધાનને આ ઘટનાના તમામ પાસાઓથી અવગત કરાવ્યા અને આગળની કાર્યવાહી અંગે ચર્ચા કરી.
બીજી તરફ, ગૃહમંત્રી શાહે IB ચીફ, NIAના ડીજી અને દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી સૂચનાઓ આપી હતી. તેમણે CRPF ડીજી અને NSG ને પણ ઘટનાસ્થળે વિશેષ ટીમ મોકલવાના નિર્દેશ આપ્યા છે, જેથી ધમાકાની બારીકાઈથી તપાસ થઈ શકે. જોકે, હજુ સુધી બોમ્બ કે કોઈ ચોક્કસ વિસ્ફોટકનો ઉપયોગ થયો હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસમાં જોડાઈ છે. ધમાકો એટલો શક્તિશાળી હતો કે આસપાસ ઊભેલા ૬ કાર, ૨ ઈ-રિક્ષા અને ૧ ઓટોરિક્ષા સહિત ૯ વાહનો બળીને ખાક થઈ ગયા હતા અને અનેક વાહનોના કાચ તૂટી ગયા હતા. આ ધમાકાનો અવાજ ITO સુધી સંભળાયો હતો. દિલ્હી પોલીસે સમગ્ર શહેર માટે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.










