મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ પાસે ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી હ્યુન્ડાઇ i20 કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટે સમગ્ર દિલ્હીને હચમચાવી દીધું હતું. આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયા છે

સોમવારે સાંજે લગભગ ૬.૫૨ વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ પાસે ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી હ્યુન્ડાઇ i20 કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટે સમગ્ર દિલ્હીને હચમચાવી દીધું હતું. આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક ઘાયલ થયા છે. વિસ્ફોટ અંગેના ૫ મોટા અપડેટ્સ નીચે મુજબ છે:
૧. કારમાં ૩ સવાર, જીવતો કારતૂસ મળ્યો: દિલ્હી પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ લાલબત્તી પર ઊભેલી ધીમી ગતિની કારમાં થયો હતો, જેમાં ૩ લોકો સવાર હતા. તપાસ દરમિયાન, ઘટનાસ્થળ પરથી એક જીવતો કારતૂસ (ગોળી) પણ મળી આવ્યો છે. કારતૂસની આ પ્રાપ્તિએ આતંકી ષડયંત્રની શંકા વધુ ગાઢ બનાવી છે.
૨. હરિયાણા નંબરની કાર, નદીમ પર રજિસ્ટર્ડ: તપાસમાં બહાર આવ્યું છે કે ધમાકામાં ઉપયોગમાં લેવાયેલી i20 કાર હરિયાણા નંબરની હતી અને તે નદીમ નામના વ્યક્તિના નામે રજિસ્ટર્ડ હતી.
૩. NIA, NSG અને FSLની ટીમો તપાસમાં: ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NIA (રાષ્ટ્રીય તપાસ એજન્સી), NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ)ની વિશેષ ટીમો અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ના નિષ્ણાતો દરેક એંગલથી ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે.
૪. સમગ્ર ઉત્તર ભારતમાં હાઈ એલર્ટ: વિસ્ફોટ બાદ દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને બિહાર સહિત અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી મેટ્રો, એરપોર્ટ અને અન્ય સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા કડક કરવામાં આવી છે. મંગળવારે સાવચેતીના ભાગરૂપે ચાંદની ચોક માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
૫. ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વિસ્ફોટની દરેક શક્યતાની ગહન તપાસ કરવામાં આવશે. તેમણે પુષ્ટિ કરી કે ધમાકો i20 કારમાં થયો હતો અને ૧૦ મિનિટની અંદર સ્પેશિયલ સેલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.











