દિલ્હીમાં સોમવારે થયેલા કાર ધમાકા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. આ બ્લાસ્ટના તાર આતંકવાદીઓ સાથે જોડાયેલા હોવાની આશંકા છે.

દિલ્હીમાં સોમવારે થયેલા કાર ધમાકા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. આ બ્લાસ્ટના તાર આતંકવાદીઓ સાથે જોડાયેલા હોવાની આશંકા છે. આ ગંભીર ઘટનાના પગલે, વડાપ્રધાનના ભૂટાનથી પરત ફર્યા બાદ, બુધવારે કેબિનેટની સુરક્ષા બાબતોની સમિતિ (CCS) ની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં દિલ્હી વિસ્ફોટની તપાસની સ્થિતિ અને આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.
આ બેઠક, ‘ઓપરેશન સિંદૂર’ અને રાષ્ટ્રજોગ સંબોધન બાદની પ્રથમ CCS બેઠક છે, જેના કારણે ઓપરેશન સિંદૂર પાર્ટ-2 શરૂ થવાની સંભાવના અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. સરકારનું સ્પષ્ટ વલણ છે કે ‘એક્ટ ઓફ ટેરર’ને ‘એક્ટ ઓફ વોર’ ગણવામાં આવશે અને જો પાકિસ્તાન તરફથી કોઈ આતંકી કાવતરું રચાશે તો જડબાતોડ જવાબ અપાશે.
બીજી તરફ, દિલ્હી ધમાકાના તાર જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાઈ રહ્યા છે. ભારતીય કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં હડકંપ છે. પાકિસ્તાનના રક્ષામંત્રીએ દેશને યુદ્ધની સ્થિતિમાં ગણાવ્યો છે, જ્યારે પીએમ શાહબાઝ શરીફે પાકિસ્તાનમાં થયેલા વિસ્ફોટો માટે ભારતને દોષી ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, ભારતે આ તમામ આરોપોને સંપૂર્ણપણે નિરાધાર કહીને ફગાવી દીધા છે.











