‘હારની નિરાશા ખંખેરીને ચર્ચા કરો’: શિયાળુ સત્ર પહેલા PM મોદીનો વિપક્ષને સ્પષ્ટ સંદેશ

સંસદના શિયાળુ સત્રની આજથી શરૂઆત થઈ રહી છે. સત્ર પહેલા જ PM મોદીએ વિપક્ષને હારની નિરાશામાંથી બહાર આવીને સકારાત્મક ચર્ચા કરવા અપીલ કરી છે. જાણો વડાપ્રધાને શું કહ્યું.

નવી દિલ્હી, સોમવાર
આજથી દેશની સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતનું સત્ર ઐતિહાસિક રીતે ઘણું મહત્વનું અને સાથે જ ટૂંકું પણ રહેવાનું છે. આ સત્રનો સમયગાળો લગભગ 19 દિવસનો રહેશે, પરંતુ કામકાજ માટે માત્ર 15 જેટલી જ બેઠકો મળશે, જેના કારણે આ સત્ર ઈતિહાસનું સૌથી ટૂંકું સત્ર બની શકે છે. સત્રની શરૂઆત પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં વિપક્ષને એક સ્પષ્ટ અને રચનાત્મક સંદેશ આપ્યો છે. તેમણે વિપક્ષી દળોને લોકશાહીના મંદિરમાં હકારાત્મક અભિગમ સાથે આવવા અનુરોધ કર્યો છે.

વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં ભારપૂર્વક કહ્યું કે, સંસદ એ લોકશાહીની તાકાત છે અને ભારતે સાબિત કર્યું છે કે અહીં લોકશાહી અસરકારક રીતે કાર્ય કરે છે. ખાસ કરીને તાજેતરના ચૂંટણી પરિણામો તરફ ઈશારો કરતા પીએમ મોદીએ વિપક્ષને સલાહ આપી હતી કે, તેમણે હવે હારની નિરાશામાંથી બહાર આવવું જોઈએ. તેમણે કહ્યું કે સંસદ એ કોઈ પણ પક્ષ માટે હારની હતાશા કાઢવાનું કે જીતના અહંકારનું મેદાન ન બનવું જોઈએ. ગૃહનું કામકાજ માત્ર હોબાળા કે નાટક માટે નથી, પરંતુ રાષ્ટ્રના વિકાસ માટે છે. દેશની નવી પેઢીના સભ્યોએ અહીંના અનુભવી નેતાઓ પાસેથી શીખવું જોઈએ અને રાષ્ટ્રીય નીતિઓ પર ગંભીર ચર્ચાઓ થવી જોઈએ.

એક તરફ સરકાર ઈચ્છે છે કે ગૃહમાં ‘વંદે માતરમ’ અને વિકસિત ભારતના સંકલ્પ પર ચર્ચા થાય, જ્યારે બીજી તરફ વિપક્ષ SIR, આંતરિક સુરક્ષા અને લેબર કૉડ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સૂત્રોચ્ચાર કરવા માટે તો આખો દેશ પડ્યો છે, પરંતુ સંસદની અંદર માત્ર પરફોર્મન્સ અને ડિલિવરી પર જ ધ્યાન આપવું જોઈએ. તેમણે વિપક્ષને ટકોર કરતા કહ્યું કે તેઓ પોતાની રણનીતિ બદલે અને દેશની જનતા જે ઈચ્છે છે તે મુજબ પોતાની ફરજ નિભાવે.

અંતમાં, દેશની આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા અત્યારે મજબૂત બની રહી છે અને વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે આ સત્રમાં નવી ઊર્જા ભરવાની તક છે. હવે જોવાનું એ રહે છે કે 19 દિવસના આ ટૂંકા સત્રમાં વિપક્ષ સરકારના આ સુચનોને કઈ રીતે લે છે અને સંસદમાં કેવું વાતાવરણ રહે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!