ગુજરાતનું મ્યાનમાર કનેક્શન: EDએ કર્યો કરોડોના ડ્રગ્સ-હવાલા રેકેટનો પર્દાફાશ, જાણો કેવી રીતે ચાલતું હતું આંતરરાષ્ટ્રીય નેટવર્ક

EDએ ગુજરાત, મિઝોરમ અને મ્યાનમાર સુધી ફેલાયેલા મોટા ડ્રગ્સ અને હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદની એક કંપની કાચો માલ મોકલતી, જેમાંથી મ્યાનમારમાં ડ્રગ્સ બનતું અને ભારતમાં વેચાતું. જાણો સમગ્ર રેકેટની ચોંકાવનારી વિગતો.

અમદાવાદ, રવિવાર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ તાજેતરમાં એક મોટા ઓપરેશનમાં ગુજરાતથી લઈને મ્યાનમાર સુધી ફેલાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અને હવાલા રેકેટનો ભાંડાફોડ કર્યો છે. 27 નવેમ્બરના રોજ EDની ટીમોએ ગુજરાત, આસામ અને મિઝોરમના જુદા જુદા સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા હતા, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ તપાસમાં ડ્રગ્સ અને મની લોન્ડરિંગનું એક એવું નેટવર્ક પકડાયું છે, જેના તાર સીધા મ્યાનમાર સાથે જોડાયેલા હતા.

તપાસની શરૂઆત ક્યાંથી થઈ? આ સમગ્ર મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે મિઝોરમ પોલીસે લગભગ 5 કિલો હેરોઈન સાથે 6 લોકોની ધરપકડ કરી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત લગભગ દોઢ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછમાં પોલીસને ગુજરાતની કેટલીક કંપનીઓ અને મિઝોરમની ગેરકાયદેસર ડ્રગ્સ બનાવતી કંપનીઓ વચ્ચેના નાણાકીય સંબંધોની જાણ થઈ, જે પછી EDએ મની લોન્ડરિંગના એંગલથી તપાસ શરૂ કરી.

ગુજરાતની કંપનીનો શું હતો રોલ? EDની તપાસમાં સામે આવ્યું કે અમદાવાદ સ્થિત ‘ક્રિશિવ એન્ટરપ્રાઇઝ’ નામની કંપની મિઝોરમમાં રહેલી કંપનીઓને ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કાચો માલ પૂરો પાડતી હતી. આ કાચા માલમાં મુખ્યત્વે સ્યુડોફેડ્રિન અને કેફિન એન્હાઈડ્ર્સ જેવા કેમિકલ્સનો સમાવેશ થતો હતો, જેનો ઉપયોગ મેથામ્ફેટામાઇન જેવા ખતરનાક ડ્રગ્સ બનાવવા માટે થાય છે.

આવી રીતે ચાલતું હતું સમગ્ર રેકેટ આ રેકેટની કાર્યપદ્ધતિ ખૂબ જ ચાલાકીભરી હતી.

કાચો માલ: ગુજરાતની કંપની ડ્રગ્સ માટે જરૂરી કેમિકલ મિઝોરમ મોકલતી હતી.

પ્રોસેસિંગ માટે મ્યાનમાર: મિઝોરમથી આ કાચો માલ સરહદ પાર કરીને મ્યાનમાર મોકલવામાં આવતો હતો. કાગળ પર આ વ્યવહાર કાયદેસર દેખાય તે માટે કોલકાતાની બોગસ (શેલ) કંપનીઓના નામે દસ્તાવેજો તૈયાર કરાતા હતા.

ફાઇનલ ડ્રગ્સ: મ્યાનમારમાં આ કાચા માલમાંથી મેથામ્ફેટામાઇન ડ્રગ્સ તૈયાર કરવામાં આવતું હતું.

ભારતમાં દાણચોરી: તૈયાર થયેલું ડ્રગ્સ ફરીથી મિઝોરમ મારફતે ભારતમાં ઘૂસાડવામાં આવતું અને દેશના જુદા જુદા ભાગોમાં વેચવામાં આવતું હતું.

52 કરોડનું હવાલા નેટવર્ક ડ્રગ્સના વેચાણમાંથી મળતા કરોડો રૂપિયાને કાયદેસર બનાવવા માટે એક મોટું હવાલા નેટવર્ક કામ કરી રહ્યું હતું. EDને આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને દિલ્હીના હવાલા ઓપરેટરોના ખાતામાં 52 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા.

આસામનું કરીમગંજ આ નેટવર્કનું મુખ્ય કેન્દ્ર હતું, જ્યાંથી પૈસાનું કલેક્શન અને હવાલાનું કામ થતું હતું. નકલી બિલ અને મલ્ટી-લેયર બેંકિંગ દ્વારા ડ્રગ્સના કાળા નાણાંને સફેદ કરવામાં આવતા હતા.

EDની કાર્યવાહીમાં શું મળ્યું? આ સમગ્ર ઓપરેશન દરમિયાન EDએ કુલ 35 લાખ રૂપિયા રોકડા, કમ્પ્યુટર, મોબાઇલ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કર્યા છે. હાલમાં આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!