ભાડૂઆત વિવાદમાં હવે સિવિલ કોર્ટ નહીં, મામલતદાર જ ‘સુપ્રીમ’: ગુજરાત હાઈકોર્ટનો લેન્ડમાર્ક ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે ટેનાન્સી એક્ટ હેઠળ મહત્વનો ચુકાદો આપતા ઠરાવ્યું છે કે ભાડૂઆત અને જમીન માલિકના વિવાદમાં નિર્ણય લેવાની સત્તા માત્ર રેવન્યુ ઓથોરિટી અને મામલતદાર પાસે છે. સિવિલ કોર્ટે આ પ્રક્રિયામાં દખલ કરવાને બદલે કેસ રેફર કરવો પડશે. જાણો શું છે કલમ 85 અને 85A નો નિયમ.

અમદાવાદ, મંગળવાર
ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં જમીન અને ભાડૂઆત સંબંધિત કાયદાઓમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ઠરાવ્યું છે કે ગુજરાત ટેનાન્સી એક્ટ હેઠળ ઉભા થતા વિવાદોમાં આખરી નિર્ણય લેવાની સત્તા રેવન્યુ ઓથોરિટી અને મામલતદાર પાસે જ સુરક્ષિત છે. જસ્ટિસ નિરલ આર. મહેતાએ આ ચુકાદા દ્વારા કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, જે બાબતોમાં નિર્ણય લેવાની સત્તા કાયદા દ્વારા રેવન્યુ ઓથોરિટીને આપવામાં આવી છે, ત્યાં સિવિલ કોર્ટ કોઈ પણ પ્રકારની દરમિયાનગીરી કરી શકે નહીં કે અધિકારક્ષેત્ર સંભાળી શકે નહીં. સિવિલ કોર્ટ માટે એ બંધનકર્તા છે કે તેમણે આવા નિર્ણયો કાયદાકીય જોગવાઈ મુજબ સક્ષમ અધિકારી પર છોડી દેવા જોઈએ.

આ કેસની વિગતો જોઈએ તો, રેવન્યુ ઓથોરિટી સમક્ષ ચુનીભાઈ વેરભાઈ પટેલ અને પ્રવીણભાઈ ચુનીભાઈ પટેલના વારસદારો દ્વારા પોતાને ભાડૂઆત જાહેર કરવા માટેની અરજી પેન્ડિંગ હતી. આ પ્રક્રિયા દરમિયાન સામાવાળા અશ્વિનભાઈ મનુભાઈ પટેલ તથા અન્યો દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સિવિલ સૂટ દાખલ કરવામાં આવ્યો હતો. સિવિલ કોર્ટે આ બાબતની ગંભીરતા સમજીને રેવન્યુ ઓથોરિટીને આદેશ કર્યો હતો કે પહેલાં એ નક્કી કરવામાં આવે કે મૂળ અરજદાર ખરેખર ટેનાન્ટ છે કે નહીં. જ્યાં સુધી રેવન્યુ ઓથોરિટીનો નિર્ણય ન આવે ત્યાં સુધી સિવિલ કોર્ટે સિવિલ સૂટ પર સ્ટે મૂક્યો હતો. આ હુકમને હાઈકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નંબર 14864/2024 દ્વારા પડકારવામાં આવ્યો હતો. જોકે, ગુજરાત હાઈકોર્ટે સિવિલ કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો અને રિટ અરજી ફગાવી દઈને મામલતદારની સત્તા પર મહોર મારી હતી.

હાઈકોર્ટે ગુજરાત ટેનાન્સી એન્ડ એગ્રીકલ્ચરલ લેન્ડસ એક્ટની કલમ 85Aના અર્થઘટન પર ભાર મૂકતા અવલોકન કર્યું હતું કે, ભલે કોઈ કિસ્સામાં સિવિલ દાવો મેન્ટેનેબલ હોય, પરંતુ જ્યારે કાર્યવાહી દરમિયાન એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય કે જેનો ઉકેલ લાવવાની સત્તા માત્ર ટેનાન્સી એક્ટ હેઠળના સક્ષમ અધિકારી પાસે છે, ત્યારે સિવિલ કોર્ટની તે વૈધાનિક ફરજ બને છે કે દાવાને ત્યાં જ સ્ટે કરવો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સિવિલ કોર્ટ પોતાની રીતે આવા સંવેદનશીલ મુદ્દા પર નિર્ણય લઈ શકતી નથી. કાયદાની આદેશાત્મક જોગવાઈ મુજબ, સિવિલ કોર્ટે વિવાદિત પ્રશ્નના નિકાલ માટે તેને સક્ષમ અધિકારી સમક્ષ મોકલવો જોઈએ અને ઓથોરિટીના અંતિમ નિર્ણયની રાહ જોવી જોઈએ.

આ ચુકાદા પાછળનો મુખ્ય તર્ક સમજાવતા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે મૂળ કાયદો 1948નો છે, પરંતુ તેમાં વિસંગતતા નિવારવા માટે સંસદ દ્વારા 1958 માં કલમ 85A નો સુધારો દાખલ કરવામાં આવ્યો હતો. આ સુધારાનો મુખ્ય હેતુ એ હતો કે એક જ મુદ્દા પર બે અલગ અલગ કોર્ટના વિરોધાભાસી ચુકાદા ન આવે. ઉદાહરણ તરીકે, જો સિવિલ કોર્ટ એમ કહે કે વ્યક્તિ ભાડૂઆત નથી, અને બીજી તરફ રેવન્યુ ઓથોરિટી તેને ભાડૂઆત જાહેર કરે, તો કાયદાકીય ગૂંચવણ અને બિનજરૂરી લીટીગેશન વધે. તેથી, સંસદે સમજદારીપૂર્વક આવા નિર્ણયોની સત્તા માત્ર રેવન્યુ ટ્રિબ્યુનલ અને મામલતદારને જ સોંપી છે.

અંતમાં, જસ્ટિસ નિરલ આર. મહેતાએ કલમ 85 અને 85A નું સ્પષ્ટ અર્થઘટન કરતા જણાવ્યું હતું કે જ્યારે પણ કોર્ટમાં ટેનાન્સી સંબંધિત મુદ્દો ઉભો થાય, ત્યારે સિવિલ કોર્ટ સ્ટે મૂકવા માટે બંધાયેલી છે. જો સિવિલ કોર્ટ મેરિટ પર નિર્ણય લેવાનો પ્રયાસ કરે તો તે ગુજરાત ટેનાન્સી એક્ટની વિરુદ્ધ ગણાશે. આમ, હાઈકોર્ટના આ ચુકાદાથી હવે જમીન અને ગણોતિયા સંબંધિત કેસોમાં મામલતદાર અને રેવન્યુ ઓથોરિટીનો નિર્ણય જ આખરી અને માન્ય ગણાશે, જે રાજ્યના હજારો પેન્ડિંગ કેસોમાં મહત્વનો રસ્તો બતાવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!