ફોનમાં અચાનક વાગવા લાગ્યું જોરદાર સાયરન? ગભરાશો નહીં, આ તો છે ભારત સરકારનું ખાસ ‘Emergency Alert’ ટેસ્ટિંગ!

NDMA Cell Broadcast Test: શનિવારે લાખો ભારતીયોના ફોનમાં અચાનક સાયરન વાગવા લાગ્યું અને ‘Emergency Alert’ મેસેજ ફ્લેશ થયો. જાણો શું છે આ સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ અને સરકારે શા માટે કર્યું આ ટેસ્ટિંગ?

નવી દિલ્હી, રવિવાર
NDMA Cell Broadcast Test: અચાનક તમારા ખિસ્સામાં રહેલો ફોન કોઈ મિસાઈલ હુમલો થવાનો હોય તેમ જોરદાર સાયરન સાથે ગુંજી ઉઠે તો ગભરાટ થવો સ્વાભાવિક છે. શનિવારે અંદાજે બપોરે 11:42 વાગ્યે ભારતમાં લાખો સ્માર્ટફોન યૂઝર્સ સાથે આવું જ કંઈક બન્યું. ફોન પર એક તીવ્ર SOS સાઉન્ડ વાગવા લાગ્યો અને સાથે એક મેસેજ પણ ફ્લેશ થયો. જો તમારી સાથે પણ આવું થયું હોય, તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ કોઈ હેકિંગ કે ખતરો નથી, પરંતુ ભારત સરકારની એક ખાસ સુરક્ષા સેવાનું ટેસ્ટિંગ હતું.

શું હતો એ મેસેજ?
આ મેસેજ હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષાઓમાં હતો. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે, ભારત સરકારના ટેલિકોમ વિભાગ દ્વારા ‘સેલ બ્રોડકાસ્ટ સર્વિસ’નું સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ માત્ર એક ટ્રાયલ હોવાથી નાગરિકોએ કોઈ ગભરાવાની કે પ્રતિક્રિયા આપવાની જરૂર નથી.

શું છે આ ‘સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ’?
કેન્દ્ર સરકારના સંચાર મંત્રાલયના ટેલિકોમ વિભાગ (DoT) અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા સંયુક્ત રીતે આ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે.

મુખ્ય હેતુ: કુદરતી આપત્તિઓ જેવી કે વાવાઝોડું, પૂર, ભૂકંપ કે સુનામી સમયે નાગરિકોને ત્વરિત ચેતવણી આપી શકાય.
ટેકનોલોજી: આ સિસ્ટમને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (C-DOT) દ્વારા વિકસાવવામાં આવી છે. આ ટેકનોલોજી એટલી પાવરફુલ છે કે તે અત્યાર સુધીમાં 19 થી વધુ ભાષાઓમાં 134 અબજથી વધુ SMS એલર્ટ મોકલી ચુકી છે.

ઈઝરાયલ જેવી અત્યાધુનિક ટેકનોલોજી હવે ભારતમાં
તમને જાણીને નવાઈ લાગશે કે ઈઝરાયલ જેવો વિકસિત દેશ પણ પોતાના નાગરિકોને મિસાઈલ હુમલા કે ડ્રોન એટેકની ચેતવણી આપવા માટે આ જ ‘સેલ બ્રોડકાસ્ટ’ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમ ઇન્ટરનેટ વગર પણ કામ કરી શકે છે, જેથી નેટવર્ક જામ હોય તો પણ લોકો સુધી ચેતવણી પહોંચાડી શકાય. ભારતમાં પણ હવે આ સિસ્ટમ લાગુ થવાથી કટોકટીના સમયે જાન-માલનું નુકસાન ઘટાડવામાં મોટી મદદ મળશે.

શું તમે આ એલર્ટ બંધ કરી શકો છો?
જો તમને આ પ્રકારના ટેસ્ટિંગ મેસેજથી પરેશાની થતી હોય, તો તમે તેને તમારા ફોનમાંથી બંધ પણ કરી શકો છો. જોકે, સુરક્ષા નિષ્ણાતો તેને ચાલુ રાખવાની જ સલાહ આપે છે.

સેટિંગ્સ બદલવાની રીત:
મોબાઈલના Settings માં જાઓ.
ત્યાં Safety and Emergency વિકલ્પ શોધો.
હવે Wireless Emergency Alerts પર ક્લિક કરો.
અહીં તમે Test Alerts ને તમારી ઈચ્છા મુજબ On કે Off કરી શકો છો.

ભારત સરકારની આ પહેલ ડિજિટલ સુરક્ષા તરફનું એક મોટું કદમ છે. અચાનક વાગતું સાયરન ભલે ક્ષણવાર માટે ડરાવી દેતું હોય, પણ ભવિષ્યમાં આવનારી મોટી આફતો સામે આ જ સાયરન લાખો લોકોના જીવ બચાવવા માટે પાયારૂપ સાબિત થશે. માટે, જ્યારે પણ આવો મેસેજ આવે ત્યારે ગભરાવાને બદલે શાંતિથી તેને વાંચો અને સરકારના આ સુરક્ષા અભિયાનમાં સહકાર આપો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!