અમદાવાદમાં હાઈવે પર મોતનું તાંડવ: 9 નંબરની ફોર્ચ્યુનર હવામાં ફંગોળાઈ ST બસ સાથે અથડાઈ, ભાજપ નેતાના પુત્રનું મોત

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે રવિવારે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને ST બસમાં ઘૂસતા ભાજપ નેતાના પુત્રનું મોત થયું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો. વાંચો સંપૂર્ણ વિગત.

અમદાવાદ, રવિવાર
18 જાન્યુઆરી, 2026ના રવિવારની સવાર અમદાવાદ માટે ગોઝારી સાબિત થઈ છે. શહેરના વ્યસ્ત ગણાતા વૈષ્ણોદેવી સર્કલ પાસે એક હચમચાવી દેનારો અકસ્માત સર્જાયો છે. એક પુરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કાર અને એસટી બસ વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતક યુવાન ગાંધીનગર જિલ્લાના એક વરિષ્ઠ ભાજપ નેતાનો પુત્ર હોવાનું સામે આવ્યું છે.

ઓવરટેક કરવા જતાં સર્જાયો ખેલ, CCTV ફૂટેજ આવ્યા સામે
આ ઘટનાના જે CCTV ફૂટેજ સામે આવ્યા છે તે જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઈ જાય તેમ છે. વિગતો મુજબ, સરખેજ તરફથી એક ફોર્ચ્યુનર કાર નંબર GJ 18 EF 9 ગાંધીનગર તરફ ફૂલ સ્પીડમાં જઈ રહી હતી. વૈષ્ણોદેવી બ્રિજના છેડે આ કારના ચાલકે આગળ જતી એક સફેદ કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ લ્હાયમાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.

પરિણામે કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને હવામાં ફંગોળાઈને સામેના રોડ પર જઈ પડી હતી. કમનસીબે, તે જ સમયે સામેના રોડ પર હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ આવી રહી હતી. ફોર્ચ્યુનર કાર સીધી આ બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે બસ પણ પોતાની દિશા ચૂકી ગઈ હતી અને ડિવાઈડર પર ચઢીને ઉપરના રોડ તરફ ધસી ગઈ હતી.

ભાજપ નેતાના પુત્રનું કરૂણ મોત
આ ભયાનક અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી અને વકીલ એવા આઈ. બી. વાઘેલાના પુત્ર ધવલ વાઘેલાનું દુઃખદ અવસાન થયું છે. ધવલની ઉંમર આશરે 21થી 24 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. આઈ. બી. વાઘેલાના પત્ની પણ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે.

કારમાં ધવલ સાથે રહેલી યુવતી પણ ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત બાદ બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ધવલને મૃત જાહેર કર્યો હતો, જ્યારે યુવતીની હાલત ગંભીર હોવાથી તેની સારવાર ચાલી રહી છે.

કારના ટુકડે-ટુકડા થઈ ગયા, પાછળ આવતી કાર પણ અથડાઈ
અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. રોડ પર કારના સ્પેરપાર્ટ્સ વેરવિખેર હાલતમાં પડ્યા હતા. એટલું જ નહીં, અકસ્માત સમયે ફોર્ચ્યુનરની પાછળ આવી રહેલી એક બ્રેઝા કાર પણ આ કાટમાળ અને વાહનો સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે નુકસાનમાં વધારો થયો હતો.

અન્ય બે લોકો પણ ઈજાગ્રસ્ત
આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓ પણ ભોગ બની છે. જેમાં અફસાનાબાનુ સમેરભાઈ ખલીફા ઉંમર 23 વર્ષ અને રસુલભાઈ બાબુભાઈ આજમ ઉંમર 32 વર્ષને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ટ્રાફિક જામ અને પોલીસની કામગીરી
મુખ્ય હાઈવે પર અકસ્માત થવાને કારણે અડધો રસ્તો બંધ થઈ ગયો હતો, જેના લીધે વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ક્રેનની મદદથી રોડ પરથી ફોર્ચ્યુનર કાર અને અન્ય ક્ષતિગ્રસ્ત વાહનોને દૂર કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. હાલ પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!