ગાંધીનગર સેક્ટર-15માં જુગારધામ પર પોલીસ ત્રાટકી, ભાડાની ઓરડી બહાર જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા, હજારોનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગરના સેક્ટર-15 ફતેપુરા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સેક્ટર-7 પોલીસે દરોડો પાડીને 10 જુગારીઓને ઝડપી લીધા છે. જુગારના સાહિત્ય અને રોકડ રકમ સાથે પકડાયેલા આરોપીઓ સામે પોલીસે શું કાર્યવાહી કરી? વાંચો વિગતવાર અહેવાલ.

ગાંધીનગર, રવિવાર
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પોલીસ હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે એક્શન મોડમાં જોવા મળી રહી છે. તાજેતરમાં જ ગાંધીનગરના સેક્ટર-15 વિસ્તારમાં પોલીસે એક જુગારધામ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન જાહેરમાં હારજીતનો જુગાર રમી રહેલા 10 જેટલા શખ્સો પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

બાતમીના આધારે દરોડો
બનાવની વિગત એવી છે કે, ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસને ખાનગી રાહે એક ચોક્કસ બાતમી મળી હતી. બાતમી એવી હતી કે સેક્ટર-15ના ફતેપુરા વિસ્તારમાં ગગાજી શીવાજી ઠાકોરની ભાડાની ઓરડીની આગળ આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ટોળું વળીને જુગાર રમી રહ્યા છે.

આ માહિતી મળતાની સાથે જ પોલીસે તાત્કાલિક એક્શન લીધું હતું. પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાને ચારે બાજુથી કોર્ડન કરી લીધી હતી અને ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સ્થળ પરથી જુગાર રમતા 10 ઈસમોને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા 10 આરોપીઓના નામ
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા તમામ શખ્સો સેક્ટર-15 વિસ્તારના અલગ-અલગ મકાનોમાં ભાડેથી રહે છે. જુગાર રમતા પકડાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે:

કુલદિપસીંગ મહેન્દ્રસીંગ ગૌતમ
ભગતસીંગ રામનારાયણ કોળી
બ્રજલાલ જીયાલાલ રાય
મોનુ રામઓતાર દોહરે
સુનીલકુમાર શ્રીબાબુરામ કોરી
દયાલ મુંગાલાલ વર્મા
ગજેન્દ્ર જોલીપ્રસાદ જાટવ
કમલેશ બ્રિજમોહન વર્મા
અનિલસિંહ રામસનેહી કોરી
જીતેન્દ્ર રામસર્નહી કોરી

મુદ્દામાલ અને પોલીસ કાર્યવાહી
પોલીસે ઘટનાસ્થળ પરથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે. અંગઝડતી દરમિયાન આરોપીઓ પાસેથી કુલ રૂ. 8630 મળી આવ્યા હતા, જ્યારે દાવ પર મુકેલા રૂ. 1540 પણ પોલીસે કબજે કર્યા હતા. આમ, કુલ મળીને રૂ. 10,170 નો મુદ્દામાલ અને ગંજીપાના જપ્ત કરવામાં આવ્યા છે.

હાલમાં સેક્ટર-7 પોલીસે તમામ 10 આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રહેણાંક વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા આ જુગારધામ પર પોલીસ ત્રાટકતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!