દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે જયપુર સાહિત્ય ઉત્સવમાં જામીન અને વ્યક્તિ સ્વાતંત્ર્ય અંગે મહત્વની વાત કરી છે. ઉમર ખાલિદ કેસના સંદર્ભમાં તેમણે કહ્યું કે જેલમાં વિતાવેલા નિર્દોષ વ્યક્તિના વર્ષો પાછા નથી આવતા. વાંચો વિગતવાર અહેવાલ.

જયપુર, સોમવાર
દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ચંદ્રચૂડે નિવૃત્તિ બાદ પ્રથમવાર જામીન અને વ્યક્તિગત સ્વતંત્રતાને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રવિવારે જયપુર સાહિત્ય ઉત્સવમાં હાજરી આપતી વખતે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જ્યાં સુધી કોઈ પણ આરોપીનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તેને જામીન મળવા જ જોઈએ. આ તેનો મૂળભૂત અધિકાર છે.
ઉમર ખાલિદ કેસ અને જામીન પર ચર્ચા
આ કાર્યક્રમ દરમિયાન એક વરિષ્ઠ પત્રકારે તેમને દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં આરોપી ઉમર ખાલિદ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઉમર ખાલિદ લાંબા સમયથી જેલમાં છે અને સુપ્રીમ કોર્ટે પણ તેના જામીન નકાર્યા હતા. આ સંદર્ભમાં જવાબ આપતા પૂર્વ CJIએ ભારપૂર્વક કહ્યું કે ન્યાયિક પ્રક્રિયામાં નાગરિકોના અધિકારોનું રક્ષણ થવું અનિવાર્ય છે.
“નિર્દોષના 5-7 વર્ષ જેલમાં જાય તો ભરપાઈ કોણ કરશે?”
પોતાની ચિંતા વ્યક્ત કરતા જસ્ટિસ ચંદ્રચૂડે એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, “જો કોઈ વ્યક્તિ 5 કે 7 વર્ષ જેલમાં રહ્યા બાદ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર થાય, તો તેના જીવનના એ કિંમતી વર્ષો કોણ પાછા આપશે? તેની ભરપાઈ થઈ શકતી નથી.”
તેમણે ઉમેર્યું કે જામીન માત્ર ત્રણ સંજોગોમાં જ નકારવા જોઈએ જો આરોપી ફરીથી ગુનો કરે તેવી શક્યતા હોય. તે પુરાવા સાથે ચેડાં કરી શકે તેમ હોય. તે કાયદાની પકડથી દૂર ભાગી જાય તેમ હોય. જો કોર્ટની પ્રક્રિયામાં વધારે સમય લાગી રહ્યો હોય, તો આરોપીને જામીન આપવા જ જોઈએ, જેથી તે વગર કારણે જેલમાં સબડે નહીં. રાષ્ટ્રીય સુરક્ષાના નામે જેલ ન થવી જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર પણ તેમણે કોર્ટને સાવધ રહેવા ટકોર કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો હોય ત્યારે અદાલતોએ કેસની ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. માત્ર આરોપોના આધારે કોઈ વ્યક્તિ વર્ષો સુધી જેલમાં બંધ રહે તે યોગ્ય નથી.
નીચલી અદાલતોના વલણ પર નારાજગી
પૂર્વ CJIએ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ (નીચલી અદાલતો) દ્વારા વારંવાર જામીન અરજીઓ નકારી કાઢવાના વલણને ચિંતાજનક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે નીચલી અદાલતો જામીન નથી આપતી, જેના કારણે સુપ્રીમ કોર્ટ પર કેસોનું ભારણ વધતું જાય છે. ખરેખર તો ન્યાયિક પ્રક્રિયાના શરૂઆતી તબક્કે જ યોગ્ય નિર્ણય લેવાવો જોઈએ.
“મારે કોઈ નવો હોદ્દો જોઈતો નથી”
પોતાના નિવૃત્તિ બાદના જીવન વિશે વાત કરતા ડી.વાય. ચંદ્રચૂડે સ્પષ્ટતા કરી હતી કે તેઓ હાલ પોતાના અંગત જીવનનો આનંદ માણી રહ્યા છે. તેમણે કહ્યું કે, “હું કોઈ પણ સરકારી પદ કે નવો હોદ્દો સ્વીકારવા માંગતો નથી.”
આ ઉપરાંત, તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા સુધારાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી હવે લાઈવ જોઈ શકાય છે. આ સુવિધા માત્ર હિન્દી કે અંગ્રેજીમાં જ નહીં, પરંતુ બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ તમામ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેથી સામાન્ય માણસ પણ ન્યાય પ્રક્રિયાને સમજી શકે.











