અમેરિકા અને ઈરાન વચ્ચેના જબરદસ્ત તણાવ વચ્ચે ચીનની એન્ટ્રીથી ખળભળાટ મચ્યો છે. ઈરાન હવે ચીન પાસેથી અત્યાધુનિક CM-302 મિસાઈલ ખરીદવા જઈ રહ્યું છે. જાણો કેમ આ ડીલ અમેરિકા માટે મોટો ખતરો છે.

નવી દિલ્હી, બુધવાર
અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી જે રીતે તણાવ ચાલી રહ્યો છે, તે કોઈનાથી છુપાયેલું નથી. આખી દુનિયાની નજર અત્યારે આ બે દેશો પર છે. પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાથી જ ઈરાન પર ગુસ્સે ભરાયેલા છે અને સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી પણ આપી ચૂક્યા છે. અમેરિકાએ દરિયામાં મોટા-મોટા યુદ્ધ જહાજો અને સેના પણ ખડકી દીધી છે. સામે પક્ષે ઈરાન પણ પીછેહઠ કરવાના મૂડમાં નથી. પરંતુ હવે આ લડાઈમાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ વિવાદમાં હવે ‘ડ્રેગન’ એટલે કે ચીનની એન્ટ્રી થઈ છે.
ઈરાન અને ચીન વચ્ચે મોટી સમજૂતી
મળતા સમાચાર મુજબ, અમેરિકાના દબાણ વચ્ચે ઈરાને ચીન સાથે હાથ મિલાવ્યા છે. ઈરાન ચીન સાથે એક ઐતિહાસિક અને અત્યાધુનિક ડિફેન્સ ડીલ (સંરક્ષણ સમજૂતી) કરવાની અણી પર છે. આ ડીલ હેઠળ ઈરાન ચીન પાસેથી અત્યંત ઘાતક ગણાતી CM-302 સુપરસોનિક એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો મિસાઈલ ખરીદવા માટેની લગભગ તમામ વાતચીત પૂરી થઈ ગઈ છે, બસ હવે ડિલિવરી કઈ તારીખે થશે તે નક્કી થવાનું બાકી છે.
શું છે CM-302 મિસાઈલની તાકાત?
ચીન દ્વારા બનાવવામાં આવેલી આ મિસાઈલ સામાન્ય મિસાઈલ નથી, પણ સમુદ્રમાં દુશ્મનો માટે કાળ સાબિત થઈ શકે છે. તેની ખાસિયતો નીચે મુજબ છે:
મારક ક્ષમતા: આ મિસાઈલ 290 કિલોમીટર દૂર સુધી જઈને પોતાના ટાર્ગેટનો ખાતમો બોલાવી શકે છે.
સ્પીડ અને ઉડાન: તે સુપરસોનિક સ્પીડ ધરાવે છે અને સૌથી મહત્વની વાત એ છે કે તે ઓછી ઊંચાઈ પર ખૂબ જ ઝડપથી ઉડી શકે છે.
ડિફેન્સ સિસ્ટમને ચકમો: આ મિસાઈલને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તે દુશ્મનના જહાજ પર લાગેલી સુરક્ષા સિસ્ટમ (ડિફેન્સ સિસ્ટમ) ને પણ આસાનીથી ચકમો આપી શકે છે.
નિષ્ણાતો માને છે કે જો ઈરાન પાસે આ મિસાઈલ આવી જશે, તો તેની તાકાત અનેકગણી વધી જશે અને દરિયામાં તૈનાત અમેરિકન સેના માટે આ મોટો ખતરો સાબિત થશે.
આ ડીલ કેમ ‘ગેમચેન્જર’ ગણાય છે?
ઈરાન અને ચીન વચ્ચે આ મિસાઈલ ડીલ માટે છેલ્લા 2 વર્ષથી વાતચીત ચાલી રહી હતી. પરંતુ જૂન મહિનામાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે જે 12 દિવસનું યુદ્ધ ચાલ્યું, તેના પછી આ ડીલ ફાઈનલ થવાની પ્રક્રિયા ઝડપી બની ગઈ. ઈઝરાયલના નેશનલ સિક્યુરિટી ઈન્સ્ટિટ્યૂટના એક સિનિયર રિસર્ચર અને પૂર્વ જાસૂસી અધિકારી, ડૈની સિટ્રિનોવિચે આ બાબતે ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે, “જો ઈરાન સુપરસોનિક સ્પીડથી જહાજો પર હુમલો કરવાની ક્ષમતા મેળવી લેશે, તો આ એક ‘ગેમચેન્જર’ સાબિત થશે.” તેનું કારણ એ છે કે આવી મિસાઈલોને હવામાં રોકવી કે તોડી પાડવી ઘણી મુશ્કેલ હોય છે.
આમ, ચીનની આ મદદથી ઈરાન હવે અમેરિકાને સીધો પડકાર આપવાની સ્થિતિમાં આવી શકે છે, જે આવનારા સમયમાં મધ્ય-પૂર્વમાં તણાવ વધારી શકે છે.











