કાંતારા ફિલ્મના દૈવાઓની મિમિક્રી કરવી રણવીર સિંહને ભારે પડી છે. કર્ણાટક હાઈકોર્ટે અભિનેતાને ફટકાર લગાવતા કહ્યું કે સુપરસ્ટાર કાયદાથી ઉપર નથી. જાણો કોર્ટે રણવીરને શું સલાહ આપી અને 2 માર્ચ સુધી શું રાહત મળી.

મુંબઇ, બુધવાર
પોતાની એનર્જી અને અનોખી સ્ટાઈલ માટે જાણીતા બોલિવૂડ એક્ટર રણવીર સિંહ હાલ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. બ્લોકબસ્ટર કન્નડ ફિલ્મ કાંતારાના પાત્રોની નકલ (મિમિક્રી) કરવી અને તેના પર કમેન્ટ કરવી રણવીરને ભારે પડી ગયું છે. આ મામલે કર્ણાટક હાઈકોર્ટે રણવીર સિંહને આકરી ફટકાર લગાવી છે અને તેમને જવાબદાર બનવાની શીખ આપી છે.
હાઈકોર્ટની લાલ આંખ: તમે સુપરસ્ટાર હશો, પણ કાયદાથી ઉપર નથી
આ કેસની સુનાવણી દરમિયાન કર્ણાટક હાઈકોર્ટે રણવીર સિંહના વલણને લાપરવાહ ગણાવ્યું હતું. કોર્ટે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “તમે રણવીર સિંહ હોવ કે કોઈ સામાન્ય માણસ, કાયદાની ઉપર કોઈ નથી. તમે આ રીતે બિલકુલ ઢીલાશ ન રાખી શકો. તમે એક અભિનેતા છો અને સમાજમાં ઘણા લોકો તમારાથી પ્રભાવિત થાય છે, તેથી તમારે વધુ જવાબદાર બનવું પડશે.”
કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે બોલતા પહેલા અભિનેતાએ પૂરતું રિસર્ચ કરવું જોઈતું હતું. તમે કોઈ પણ દેવી-દેવતાને ભૂત કહી શકો નહીં.
શું છે સમગ્ર વિવાદ?
આ આખો મામલો નવેમ્બર 2025 માં ગોવા ખાતે યોજાયેલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFI) સાથે જોડાયેલો છે. આક્ષેપ છે કે, આ કાર્યક્રમ દરમિયાન રણવીર સિંહે સ્ટેજ પર ફિલ્મ કાંતારા દ્વારા દેશભરમાં પ્રખ્યાત થયેલા પંજુરલી અને ગુલિગા દૈવાના પવિત્ર હાવભાવની મિમિક્રી કરીને મજાક ઉડાવી હતી.
વાત માત્ર મિમિક્રી સુધી સીમિત ન હતી. રણવીર સિંહે ચામુંડી દેવતાને મહિલા ભૂત તરીકે સંબોધ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ દેવીને દિવ્ય સ્ત્રી શક્તિ અને રક્ષક દેવી તરીકે પૂજવામાં આવે છે. રણવીરના આ વર્તનથી હિન્દુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હતી, જેના પગલે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
રણવીર સિંહનો પક્ષ અને માફી
વિવાદ વકરતા રણવીર સિંહે સોશિયલ મીડિયાના માધ્યમથી માફી માંગી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો ન હતો. તેઓ માત્ર ઋષભ શેટ્ટીના શાનદાર અભિનયની પ્રશંસા કરી રહ્યા હતા અને તેઓ દરેક સંસ્કૃતિનું સન્માન કરે છે. જોકે, કોર્ટે આ સ્પષ્ટતા બાદ પણ મામલાને ગંભીરતાથી લીધો છે.
કોર્ટ તરફથી હાલ પૂરતી રાહત
પોતાની સામે નોંધાયેલી FIR રદ કરાવવા માટે રણવીર સિંહે કર્ણાટક હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. રણવીરના વકીલે દલીલ કરી હતી કે અભિનેતાએ માત્ર વખાણ કર્યા હતા અને બાદમાં માફી પણ માંગી લીધી હતી.
તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રણવીર સિંહને વચગાળાની રાહત આપી છે. કોર્ટે આદેશ કર્યો છે કે 2 માર્ચ સુધી રાજ્ય સરકાર રણવીર સામે કોઈ જબરદસ્તીભર્યું પગલું નહીં લઈ શકે. જોકે, કોર્ટે રણવીરને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાનો નિર્દેશ પણ આપ્યો છે. હવે આ મામલે આગળની સુનાવણી સોમવારે હાથ ધરાશે.











