મે 2026 સુધીમાં 7000 ટનની INS Aridhaman ભારતીય નૌકાદળમાં સામેલ થશે. 3 ન્યૂક્લિયર સબમરીન સાથે ભારતનું ‘ન્યૂક્લિયર ટ્રાયડ’ ચીન અને પાકિસ્તાન સામે તાકાત વધારશે.

નવી દિલ્હી, મંગળવાર
ભારતની દરિયાઈ તાકાત અને સુરક્ષા હવે એક નવા અને ઐતિહાસિક મુકામ પર પહોંચવા જઈ રહી છે. મે 2026 સુધીમાં, ભારતની ત્રીજી ન્યૂક્લિયર પાવર્ડ બેલેસ્ટિક મિસાઈલ સબમરીન (SSBN) ‘આઈએનએસ અરીધમન’ (INS Aridhaman) નૌસેનામાં સામેલ થઈ જશે. આ સાથે જ ભારત પાસે 3 અત્યાધુનિક સ્વદેશી સબમરીન હશે.
એક તરફ ચીન હિંદ મહાસાગરમાં પોતાની નેવીની તાકાત વધારી રહ્યું છે અને પાકિસ્તાન નવી AIP ટેકનોલોજી વાળી સબમરીનો ખરીદી રહ્યું છે, ત્યારે ભારતની આ તૈયારી બંને પડોશી દેશોની ઊંઘ હરામ કરવા માટે પૂરતી છે. ભારત હવે પોતાના ‘ન્યૂક્લિયર ટ્રાયડ’ (જળ, થળ અને વાયુમાંથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા) ના સૌથી સુરક્ષિત સ્તંભને વધુ મજબૂત બનાવી રહ્યું છે.
આવો જાણીએ ભારતની આ ન્યૂક્લિયર સબમરીન તાકાત વિશે વિગતે
INS અરિહંત: દરિયામાં પરમાણુ તાકાતની શરૂઆત ઓગસ્ટ 2016 માં INS અરિહંતને નૌસેનામાં સામેલ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટને ઘણા વર્ષો સુધી એકદમ સિક્રેટ રાખવામાં આવ્યો હતો. વિશાખાપટ્ટનમમાં બનેલી આ સબમરીનનું વજન 6000 ટન છે અને તે 111.6 મીટર લાંબી છે. તેમાં 83 મેગાવોટનું દેશી રિએક્ટર લાગેલું છે. આ સબમરીન પાણીની અંદર 24 નોટિકલ માઈલની સ્પીડથી ચાલી શકે છે. તેમાં 4 વર્ટિકલ લોન્ચ ટ્યુબ છે, જેમાં 750 કિમી રેન્જની 12 K-15 મિસાઈલ અથવા 3500 કિમી રેન્જની 4 K-4 મિસાઈલ ગોઠવી શકાય છે. સાથે જ તેમાં 6 ટોર્પિડો ટ્યુબ (533 mm) પણ છે. વર્ષ 2018 માં તેણે પોતાનું પહેલું પેટ્રોલિંગ મિશન પૂરું કરીને ભારતને સત્તાવાર રીતે ‘ન્યૂક્લિયર ટ્રાયડ’ ધરાવતો દેશ બનાવ્યો હતો.
INS અરિઘાત: વધુ આધુનિક અને ઘાતક
તાજેતરમાં જ, 29 ઓગસ્ટ 2024 ના રોજ INS અરિઘાતને સેનામાં સામેલ કરાઈ. 6000 ટનની આ સબમરીન અરિહંતનું લેટેસ્ટ વર્ઝન છે અને વધુ આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. તેમાં પણ 4 લોન્ચ ટ્યુબ છે, પણ તેને ખાસ કરીને લાંબા અંતરની K-4 મિસાઈલો માટે ડિઝાઈન કરવામાં આવી છે. આમાં ભારતની જ બનાવેલી ‘USHUS’ અને ‘પંચેન્દ્રિયા’ સોનાર સિસ્ટમ લાગેલી છે. બે સબમરીન હોવાથી હવે ભારત દરિયામાં સતત નજર રાખી શકે છે.
INS અરીધમન: 7000 ટનનો મહાબલી
આવનારી સબમરીન INS અરીધમન અત્યાર સુધીની સૌથી મોટી અને એડવાન્સ સબમરીન હશે. 7000 ટન વજન ધરાવતી આ સબમરીનમાં 4 ને બદલે 8 વર્ટિકલ લોન્ચ ટ્યુબ હશે! એટલે કે તે 24 K-15 અથવા 8 K-4 મિસાઈલો લઈને જઈ શકશે. ભવિષ્યમાં તેમાં 6000 કિમી રેન્જવાળી K-5 મિસાઈલ પણ સામેલ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. અવાજ ન કરે તેવા 7 બ્લેડવાળા પ્રોપેલરથી સજ્જ આ સબમરીન દુશ્મનની રડારમાં જલ્દી પકડાશે નહીં. તેની સ્પીડ પાણીની અંદર 24 નોટિકલ માઈલ અને સપાટી પર 12-15 નોટિકલ માઈલ રહેશે.
ચીન-પાકિસ્તાન સાથે મુકાબલો અને ભવિષ્યનો પ્લાન
હાલમાં ચીન પાસે 50 થી વધુ ડીઝલ-ઈલેક્ટ્રિક અને 10 થી વધુ પરમાણુ સબમરીન છે. બીજી બાજુ પાકિસ્તાન પણ ચીન પાસેથી 8 નવી સબમરીન લઈ રહ્યું છે. આંકડામાં ભલે ભારત પાછળ દેખાતું હોય, પરંતુ ગુણવત્તા અને મારક ક્ષમતાની વાત આવે ત્યારે ભારત ખૂબ મજબૂત છે.
આ ઉપરાંત, 2027-28 સુધીમાં રશિયા પાસેથી ‘ચક્ર III’ (Akula-class) ન્યૂક્લિયર એટેક સબમરીન પણ ભારત આવવાની છે. સાથે જ મઝગાંવ ડોકમાં પ્રોજેક્ટ-75I હેઠળ 6 નવી આધુનિક ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીન બની રહી છે. આ તમામ ન્યૂક્લિયર સબમરીનોનું સંચાલન વિશાખાપટ્ટનમ પાસે આવેલા અત્યંત સુરક્ષિત અને ગુપ્ત ‘પ્રોજેક્ટ વર્ષા’ નેવલ બેઝથી થશે.
ભારતનો મુખ્ય હેતુ કોઈના પર હુમલો કરવાનો નથી, પણ પોતાની સુરક્ષા માટે એક ભરોસાપાત્ર કવચ તૈયાર કરવાનો છે. અરીધમન અને ચક્ર III જેવી સબમરીન આવવાથી હિંદ મહાસાગરમાં ભારતની પકડ અને દરિયાઈ તાકાત વધુ મજબૂત બનશે, જેથી કોઈપણ સંજોગોમાં દુશ્મનને જડબાતોડ જવાબ આપી શકાશે.











