ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ભારતીય શેરબજાર પર પડી છે. આજે બજાર ખૂલતા જ સેન્સેક્સ 1600 પોઈન્ટ તૂટ્યો અને રોકાણકારોના 9 લાખ કરોડ ડૂબી ગયા.

મુંબઈ, બુધવાર
ખાડી દેશોમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની ઝાળ હવે ભારતીય શેરબજાર સુધી સ્પષ્ટપણે પહોંચી ગઈ છે. બજારમાં આજે ભારે ગભરાટનો માહોલ છે. પ્રિ-ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સે 1600થી વધુ પોઈન્ટનો ગોથું ખાધું છે. જેના કારણે સામાન્ય રોકાણકારોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. સેન્સેક્સ 1600થી વધુ પોઈન્ટ એટલે કે લગભગ 2.13 ટકાના ઘટાડા સાથે 78,528 ના સ્તરે ખુલ્યો હતો. નિફ્ટી પણ પાછળ નથી. નિફ્ટી 477 પોઈન્ટ (1.92 ટકા) તૂટીને 24,389 ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે. શરૂઆતના ટ્રેડિંગમાં બેન્કિંગ અને ઓટો સેક્ટરના શેરોમાં સૌથી વધુ અફરાતફરી જોવા મળી છે.
આ ઘટાડાએ ખરા અર્થમાં રોકાણકારો માટે હોળીનો રંગ ફિક્કો પાડી દીધો છે. 3 માર્ચે ધૂળેટીના તહેવારની રજા હોવાથી માર્કેટ બંધ હતું. રજા બાદ આજે બજાર ખૂલ્યું ત્યારે વૈશ્વિક બજારોના નકારાત્મક સંકેતોની સીધી અસર જોવા મળી. આ કડાકાને લીધે રોકાણકારોને ગણતરીની મિનિટોમાં જ આશરે 9 લાખ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું છે.
શેરબજારમાં આવું ભારે ધોવાણ થવાનો આ સતત ત્રીજો દિવસ છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશન પર નજર કરીએ તો માર્કેટમાંથી આશરે 20 લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા છે. આ ડર માત્ર દલાલ સ્ટ્રીટ પૂરતો સીમિત રહ્યો નથી. એશિયન બજારો પણ ખરાબ રીતે હચમચી ગયા છે. દક્ષિણ કોરિયાના શેરબજાર કોસ્પી (KOSPI) માં 8 ટકા જેટલો જંગી ઘટાડો નોંધાયો છે જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
અમેરિકન માર્કેટમાં પણ ઐતિહાસિક કડાકો જોવા મળ્યો છે. ગઈકાલે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે હાલ ચાલી રહેલું આ યુદ્ધ હજુ 4 થી 5 અઠવાડિયા સુધી લંબાઈ શકે છે. આ નિવેદન બાદ માર્કેટમાં અનિશ્ચિતતા વધી ગઈ. લોકો હવે જોખમી રોકાણમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે અને મૂડીને રોકડમાં ફેરવી રહ્યા છે.
વોલ સ્ટ્રીટ પર તેની સ્પષ્ટ અને નકારાત્મક અસર દેખાઈ છે.
ડોવ જોન્સ (Dow Jones) 1,028 પોઈન્ટ (2.10%) તૂટીને 47,876 ની સપાટીએ પહોંચ્યો છે.
ટેક-હેવી નાસ્ડેક (Nasdaq) માં પણ 462 પોઈન્ટ (2.03%) નો મોટો ઘટાડો જોવા મળ્યો.
આવા ડર અને અસ્થિરતાના માહોલમાં લોકો અમેરિકી ડોલર તરફ સુરક્ષિત વિકલ્પ તરીકે વળ્યા છે. રોકાણકારોની આ પસંદગીને કારણે ડોલર વધુ મજબૂત બન્યો છે. વિશ્વની છ મુખ્ય કરન્સી સામે અમેરિકન ડોલરની તાકાત દર્શાવતો ઈન્ડેક્સ આજે 99.28 ના સ્તર પર પહોંચી ગયો હતો. હાલ બજારમાં કોઈ મોટી રાહતના સંકેત દેખાતા નથી તેથી રોકાણકારો માટે સાવચેતી રાખવી જ હિતાવહ છે.
ડિસ્ક્લેમર: અહીં વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મેનેજમેન્ટ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.











