આસામ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે મોટો દાવ ખેલી 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે. જાણો કઈ બેઠક પર કોને મળી ટિકિટ.

આસામ, બુધવાર
આગામી આસામ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ બની છે. ચૂંટણી પંચ હજુ સત્તાવાર કાર્યક્રમ જાહેર કરે તે પહેલા જ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરીને નવી શરૂઆત કરી છે. પાર્ટીએ 126 સભ્યોની વિધાનસભા માટે પોતાના 42 ઉમેદવારોના નામની પ્રથમ યાદી બહાર પાડી દીધી છે. એપ્રિલ મહિનામાં ચૂંટણી યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે આ આગોતરી રણનીતિથી ઉમેદવારોને સ્થાનિક લોકો સાથે જોડાવાનો અને પ્રચાર કરવાનો પૂરતો સમય મળી જશે.
આ યાદી સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસે સંગઠનના અને અનુભવી નેતાઓ પર પૂરો ભરોસો મૂક્યો છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગૌરવ ગોગોઈને જોરહાટ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આસામ વિધાનસભામાં કોંગ્રેસ વિધાયક દળના નેતા દેવવ્રત સૈકિયાને નઝીરા બેઠક પરથી ટિકિટ ફાળવવામાં આવી છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા રિપુન બોરા બરછલ્લા બેઠક પરથી ચૂંટણી લડશે. પાર્ટી અહી સ્પષ્ટપણે જૂના જોગીઓને પ્રાધાન્ય આપી રહી છે.
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં અન્ય બેઠકોની વિગત પણ સામેલ છે. કઈ બેઠક પર કોને તક મળી તેના પર એક નજર કરીએ.
ગૌરીપુર બેઠક પરથી અબ્દુસ સોબહાન અલી સરકારને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ગોલપાડા પશ્ચિમ (ST અનામત) બેઠક માટે માર્કલાઈન મારકને ટિકિટ આપવામાં આવી છે.
બોંગાઈગાંવ બેઠક પરથી ગિરીશ બરુઆ મેદાનમાં છે.
બરપેટા (SC અનામત) બેઠક પરથી મહાનંદ સરકારને ચૂંટણી લડવાની તક મળી છે.
કોંગ્રેસની આ તૈયારી બતાવે છે કે પાર્ટી આ વિધાનસભા ચૂંટણીને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. વહેલા ઉમેદવારો જાહેર કરવાનો આ નિર્ણય તેમને કેટલી બેઠકો અપાવે છે તે જોવું રસપ્રદ રહેશે.











