ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો હવે ફટાફટ સુધરશે, ગુજરાત સરકારે લાગુ કરી ભૂમિ સીમાંકન પદ્ધતિ

ગુજરાતમાં જમીન માપણીની ભૂલો સુધારવા સરકારે ભૂમિ સીમાંકન પદ્ધતિ લાગુ કરી છે. 7 કેટેગરીમાં ભૂલોનો નિકાલ થશે અને મોબાઈલ કોર્ટ સ્થળ પર જ પ્રશ્નો ઉકેલશે. જાણો સંપૂર્ણ માહિતી.

ગાંધીનગર, ગુરૂવાર
રાજ્યના લાખો ખેડૂતો માટે એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ખેતીની જમીનોની માપણી (પ્રમોલગેશન) બાદ ઘણી બધી ભૂલો સામે આવી હતી. ખેડૂતો આ ક્ષતિઓને લઈને લાંબા સમયથી સરકારી કચેરીઓમાં ફરિયાદો કરી રહ્યા હતા. હવે રાજ્ય સરકારે આ સમસ્યાના કાયમી અને ઝડપી ઉકેલ માટે એક નવી કાર્યપદ્ધતિ જાહેર કરી છે. જમીન માપણીની આ ભૂલો સુધારવા માટે સમગ્ર રાજ્યમાં હવે ભૂમિ સીમાંકન પદ્ધતિ લાગુ કરવામાં આવશે.

જિલ્લા કક્ષાએ બનશે ખાસ સમિતિ
જમીનના દફતરમાં (રેકોર્ડમાં) રહેલી આ વિસંગતતાઓ દૂર કરવા માટે દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક ખાસ સમિતિ બનાવવામાં આવશે. આ કમિટીમાં નિવાસી અધિક કલેક્ટર, નાયબ નિયામક જમીન દફતર (SLR), પ્રાંત અધિકારી, DILR, મામલતદાર, TDO, જમીન સંપાદન અધિકારી અને સંબંધિત એજન્સીના પ્રતિનિધિઓ સામેલ હશે. આખી ટીમ એક સમાન આયોજન સાથે મળીને ભૂલો સુધારવાનું કામ કરશે.

ક્ષતિઓ સુધારવા માટે 7 અલગ-અલગ કેટેગરી નક્કી કરાઈ
મહેસૂલ વિભાગ દ્વારા માપણીની ભૂલો અને ખેડૂતોની વાંધા અરજીઓનો વ્યવસ્થિત નિકાલ લાવી શકાય તે માટે તેને 7 વિવિધ કેટેગરીમાં વહેંચવામાં આવી છે, જે નીચે મુજબ છે:

1- એવી અરજીઓ જેમાં સરકારી જમીનમાં કોઈ ઘટાડો ન હોય અને કોઈ વાંધો ન હોય.
2- સરકારી જમીનમાં કોઈ ફેરફાર ન થતો હોય અને ખાતેદારોને પણ કોઈ વાંધો ન હોય.
3- સરકારી જમીન તો સુરક્ષિત હોય, પરંતુ વાંધા અરજીઓ હજુ પેન્ડિંગ હોય.
4- એવા ગામો જ્યાં 30% થી વધુ સર્વે નંબરોમાં કબજાના ફેરફાર (અવલ-દવલ) થઈ ગયા હોય.
5- જ્યારે કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતા જ મર્યાદિત વાંધાઓ આવ્યા હોય.
6- જમીનના ક્ષેત્રફળમાં મોટો ફેરફાર થયો હોય અને આકૃતિ જ બદલાઈ ગઈ હોય (Cascading effect) તેવા જટિલ કિસ્સા.
7- એવા કિસ્સા જ્યાં હજુ સુધી પ્રમોલગેશન (માપણીની આખરી નોંધ) જ નથી થયું.

ઓફિસોના ધક્કામાંથી મુક્તિ: મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સ્થળ પર જ કરશે ઉકેલ
ખેડૂતોએ પોતાના જમીનના જટિલ પ્રશ્નો માટે હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે. આ માટે સરકારે મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ બનાવવાનો મોટો નિર્ણય લીધો છે. તાલુકા વિકાસ અધિકારી (TDO) અને મામલતદારોને હવે વધુ સત્તાઓ આપવામાં આવી છે. તેઓ જમીન મહેસૂલ અધિનિયમની કલમ 119, 120 અને નિયમ 21 મુજબ ખેડૂતના ખેતરે કે સ્થળ પર જઈને જ કાર્યવાહી કરશે અને ત્યાં જ પ્રશ્નોનો ઉકેલ લાવશે.

ગુજરાત સરકારની આ નવી ભૂમિ સીમાંકન વ્યવસ્થાથી જમીન માપણીને લગતા વર્ષો જૂના પ્રશ્નોનો હવે ખૂબ જ ઝડપી અને પારદર્શક રીતે ઉકેલ આવશે તેવો અંદાજ છે. આનાથી ખેડૂતોનો સમય બચશે અને રાજ્યમાં જમીન રેકોર્ડ વધુ પારદર્શક બનશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!