અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થતાં હીટ એક્શન પ્લાન લાગુ. વાહનચાલકો માટે બપોરે 12થી 4 સુધી 70 ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. જાણો AMC ની નવી ગાઈડલાઈન.

અમદાવાદ, ગુરૂવાર
અમદાવાદમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ સૂર્યદેવતાએ આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. શહેરમાં ગરમીનો પારો 41 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. કાળઝાળ ગરમીથી લોકોને બચાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હીટ એક્શન પ્લાન તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં વાહનચાલકોથી લઈને શ્રમિકો સુધી સૌની રાહત માટે મોટા નિર્ણયો લેવાયા છે.
બપોરે 12થી 4 ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ, 24 ક્રોસિંગ પર ગ્રીન નેટ
ભારે તડકામાં સિગ્નલ પર ઊભા રહેતા વાહનચાલકોને મોટી રાહત આપતા ટ્રાફિક પોલીસે શહેરના 70 મુખ્ય ટ્રાફિક સિગ્નલોને બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે, અમુક ચાર રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધુ હોવાથી ત્યાં સિગ્નલ ચાલુ રાખવા જરૂરી છે. આવા 24 જેટલા વ્યસ્ત ચાર રસ્તાઓ પર CREDAI અને અન્ય સંસ્થાઓની મદદથી ગ્રીન નેટ બાંધવામાં આવશે, જેથી લોકોને સીધા તડકાથી રક્ષણ મળી શકે.
પાણીની પરબ અને બાગ-બગીચાના સમયમાં વધારો
ગરમીમાં લોકોને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે આરોગ્ય વિભાગે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે મળીને 350 પાણીની પરબો શરૂ કરી દીધી છે. આવનારા દિવસોમાં આ આંકડો વધારીને 1000 થી વધુ કરાશે. આ ઉપરાંત તમામ AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર પીવાના પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને બપોરના સમયે છાંયડો અને ઠંડક મળી રહે તે માટે શહેરના તમામ બાગ-બગીચાઓ હવે સવારે 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે.
બાંધકામ સાઇટ પર બપોરે કામ બંધ રાખવા આદેશ
બપોરના આકરા તડકામાં મજૂરોને લૂ લાગવાનો ખતરો સૌથી વધુ હોય છે. આથી, બાંધકામ સાઇટો પર બપોરે 1 થી 4 વાગ્યા સુધી શ્રમિકો પાસે કામ ન કરાવવા બિલ્ડરોને કડક સૂચના અપાઈ છે. ખાસ કરીને ઓરેન્જ અને રેડ એલર્ટના દિવસોમાં આ નિયમનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ સાથે જ આંગણવાડી, શાળાઓ અને સફાઈ કામદારોના કામના સમયમાં પણ ફેરફાર કરાયો છે.
હોસ્પિટલોમાં ખાસ વ્યવસ્થા અને નાગરિકોને અપીલ
AMC ના આરોગ્ય વિભાગે અપીલ કરી છે કે કામ વગર બપોરે બહાર નીકળવાનું ટાળો અને વધુમાં વધુ પાણી પીવો. જો કોઈને ચક્કર આવે, ઉલટી થાય કે માથું દુખે તો તરત જ નજીકના UHC (અર્બન હેલ્થ સેન્ટર) અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો. તમામ UHC, CHC અને આંગણવાડીઓ પર ORS સેન્ટર શરૂ કરી દેવાયા છે. શારદાબેન, SVP, LG અને VS જેવી મોટી હોસ્પિટલોમાં ગરમીથી બીમાર પડતા દર્દીઓ માટે અલગ વોર્ડ અને વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
અમદાવાદના આ 70 ટ્રાફિક સિગ્નલો બપોરે 12 થી 4 રહેશે બંધ જો તમે બપોરે બહાર નીકળો છો, તો જાણી લો કે ક્યાં સિગ્નલ બંધ રહેશે. પ્રભાત ચોક, ઉમિયા હોલ, સિલ્વર સ્ટાર, ભાગવત કોમ્પલેક્સ, સુભાષ ચોક, ગુરુકુળ ત્રણ રસ્તા, એન.એફ.ડી સર્કલ, સૂરધારા સર્કલ, દાદા સાહેબના પગલાં, વિજય ચાર રસ્તા, કોર્મસ છ રસ્તા, સેન્ટ ઝેવિયર્સ, વાઘ બકરી ટી લોન્જ, ગુલબાઈ ટેકરા, દર્પણ છ રસ્તા, ભીમજીપુરા, સ્ટેડિયમ સર્કલ, સ્વસ્તિક ચાર રસ્તા, સરદાર પટેલ બાવલા, સમર્પણ સર્કલ, સીજી રોડ બોડીલાઈન, અંકુર ચાર રસ્તા, ખોડિયાર મંદિર, ઈન્કમ ટેક્સ સર્કલ, નવરંગપુરા, કાલુપુર સર્કલ, ગેલેક્સી ચાર રસ્તા, કૃષ્ણનગર ચાર રસ્તા, નોબલ ટી ત્રણ રસ્તા, રખિયાલ ચાર રસ્તા, અજીત મિલ ચાર રસ્તા, શ્યામ શિખર ચાર રસ્તા, ગરીબનગર ચાર રસ્તા, ખોડિયાર નગર ચાર રસ્તા, કાંગારૂ સર્કલ (ખોખરા), ગોવિંદવાડી ચાર રસ્તા, હીરાભાઈ ટાવર ચાર રસ્તા, આવકાર હોલ, જવાહર ચોક, ભૈરવનાથ ચાર રસ્તા, વૈકુંઠધામ મંદિર ચાર રસ્તા, પીરકમલ ચાર રસ્તા, ફૂટબોલ ગ્રાઉન્ડ ચાર રસ્તા, પુષ્પકુંજ ચાર રસ્તા, કાગડાપીઠ ટી, ભૂલાભાઈ ચાર રસ્તા, ચાંદખેડા ચાર રસ્તા, જનપથ ટી, અચેર ચાર રસ્તા, વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ, ગોદરેજ ગાર્ડન સિટી, ONGC કટ ચાર રસ્તા, વિસત સર્કલ, દધિચી બ્રિજ સર્કલ, શાહપુર ચાર રસ્તા, ટાઉન હોલ પાંચ રસ્તા, વલ્લભ સદન રિવરફ્રન્ટ, હરિહર આનંદ સર્કલ રિવરફ્રન્ટ, નહેરુ બ્રિજ રસ્તા, એક્સાઇઝ ચોકી, જોધપુર ચાર રસ્તા, સ્ટાર બજાર, જાજરમાન ચાર રસ્તા, ગોતા ચાર રસ્તા, થલતેજ ચાર રસ્તા, બાગબાન ચાર રસ્તા, બજરંગ ચાર રસ્તા, સિલ્વર રેસિડેન્સી ચાર રસ્તા, સાણંદ સર્કલ અને ગિરીશ ચાર રસ્તા.
AMCનો આ હીટ એક્શન પ્લાન શહેરીજનો માટે એક મોટો રાહતરૂપ નિર્ણય છે. ગરમીની આ ઋતુમાં તંત્રની સાથે સાથે નાગરિકોએ પણ પોતાની કાળજી જાતે લેવી એટલી જ જરૂરી છે.











