ઈરાન-યુદ્ધ વચ્ચે ભારત સરકારે 60 દિવસ માટે પેટ્રોલ પંપ પર કેરોસીન વેચાણને મંજૂરી આપી. 21 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ રહેશે.

નવી દિલ્હી, સોમવાર
વૈશ્વિક સ્તરે ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારત પર પણ દેખાવા લાગી છે. ઈંધણ પુરવઠા પર દબાણ વધતા કેન્દ્ર સરકારે કેરોસીનની ઉપલબ્ધતા જાળવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે રવિવારે, 29 માર્ચ 2026ના રોજ જાહેરાત કરી છે કે દેશમાં કેરોસીનના વેચાણ અને વિતરણ સંબંધિત નિયમોમાં તાત્કાલિક અસરથી છૂટછાટ આપવામાં આવી છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણયનો હેતુ સામાન્ય લોકો સુધી રસોઈ અને લાઇટિંગ માટે જરૂરી કેરોસીન ઝડપથી પહોંચાડવાનો છે. દેશમાં વૈકલ્પિક ઈંધણ તરીકે 48,000 કિલોલીટર વધારાનું કેરોસીન ફાળવવામાં આવ્યું છે. આ અંગે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.
હવે પેટ્રોલ પંપ પર પણ મળશે કેરોસીન
નવી વ્યવસ્થા હેઠળ આગામી 60 દિવસ સુધી પેટ્રોલ પંપ પર કેરોસીન વેચાણ કરવાની મંજૂરી અપાઈ છે. દરેક જિલ્લામાં 2 પેટ્રોલ પંપને આ માટે છૂટ આપવામાં આવશે. સરકારનો પ્રયાસ છે કે પરંપરાગત વિતરણ વ્યવસ્થા પરનો ભાર ઓછો થાય અને લોકો સુધી ઈંધણ ઝડપથી પહોંચી શકે.
21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ પડશે નિર્ણય
સરકારના સત્તાવાર નોટિફિકેશન મુજબ આ રાહત 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવશે. આ તાત્કાલિક વ્યવસ્થા હેઠળ ઘરોમાં રસોઈ અને પ્રકાશ માટે જરૂરી કેરોસીન ad-hoc ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સરકારે આ નિર્ણય કેમ લીધો?
ઈરાનમાં યુદ્ધને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઈન ખોરવાઈ છે. તેની સીધી અસર પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા પર પડી રહી છે. ભારત જેવા મોટા વપરાશવાળા દેશમાં આવી પરિસ્થિતિમાં નાગરિકોને ઈંધણની અછત ન પડે તે માટે સરકારે લાયસન્સિંગની પ્રક્રિયાઓ હળવી કરી છે.
સરકારનો મત છે કે જો વિતરણની પ્રક્રિયા સરળ બનાવવામાં આવે તો કેરોસીન વધુ ઝડપથી અને સરળતાથી લોકો સુધી પહોંચાડી શકાય. ખાસ કરીને જ્યાં ઘરગથ્થુ ઉપયોગ માટે હજુ પણ કેરોસીન પર નિર્ભરતા છે, ત્યાં આ નિર્ણય રાહતરૂપ બની શકે છે.
રાજ્યોને શું સૂચના આપવામાં આવી?
પેટ્રોલિયમ મંત્રાલયે તમામ રાજ્યોને જણાવ્યું છે કે તેઓ જિલ્લા સ્તરે વિતરણ માટે યોગ્ય સ્થળોની ઓળખ કરે. તેમાં મુખ્યત્વે રાશનની દુકાનો અથવા અન્ય નિર્ધારિત સ્થળોનો સમાવેશ થઈ શકે છે. હેતુ એ છે કે વિતરણ વધુ વ્યવસ્થિત રીતે થાય અને જરૂરિયાતમંદ લોકોને સમયસર પુરવઠો મળે. પરંતુ રાજ્યો તરફથી આ યોજનાને લઈને ખાસ ઉત્સાહ જોવા મળતો નથી.
અત્યાર સુધી કેટલા રાજ્યો આગળ આવ્યા?
સત્તાવાર માહિતી મુજબ અત્યાર સુધી માત્ર 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ SKO એટલે કે Superior Kerosene Oilના વહેંચણીના આદેશ જાહેર કર્યા છે. બીજી તરફ હિમાચલ પ્રદેશે કહ્યું છે કે ત્યાં કેરોસીનની જરૂર નથી, લદાખે પણ સ્પષ્ટ કર્યું છે કે તેમને આ વધારાના પુરવઠાની જરૂર નથી, કેટલાક અન્ય રાજ્યો હજુ આદેશ જાહેર કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે,
મહત્વની બાબતો એક નજરે
કેન્દ્ર સરકારે કેરોસીન વેચાણના નિયમોમાં તાત્કાલિક છૂટછાટ આપી
29 માર્ચ 2026ના રોજ પેટ્રોલિયમ મંત્રાલયે જાહેરાત કરી
દેશમાં 48,000 કિલોલીટર વધારાનું કેરોસીન ફાળવાયું
આગામી 60 દિવસ સુધી પેટ્રોલ પંપ પર વેચાણ શક્ય
દરેક જિલ્લામાં 2 પેટ્રોલ પંપને મંજૂરી
નિર્ણય 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ
ઘરોમાં રસોઈ અને લાઇટિંગ માટે ad-hoc પુરવઠો ઉપલબ્ધ કરાશે
આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા ભારત સરકારે પહેલેથી જ સાવચેતીના પગલાં લીધા છે. હવે નજર રહેશે કે રાજ્યો આ યોજના કેટલી ઝડપથી અમલમાં મૂકે છે અને સામાન્ય લોકોને તેનો કેટલો લાભ મળે છે.











