ગુજરાતમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ વસૂલાયો છે. જોકે, કેગના રિપોર્ટમાં દંડની રકમના હસ્તાંતરણમાં 16 ટકાની ઘટ સામે આવી છે. જાણો શું છે પૂરો મામલો.

ગાંધીનગર, રવિવાર
ગુજરાતના રસ્તાઓ પર ગાડી લઈને નીકળતા હોઈએ ત્યારે ટ્રાફિક પોલીસ અને સીસીટીવી કેમેરાથી બચવું લગભગ અશક્ય છે. હેલ્મેટ ન પહેર્યું હોય કે સિગ્નલ તોડ્યું હોય, ખિસ્સું ખાલી થવું નક્કી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે ભરેલો આ દંડ જાય છે ક્યાં? તાજેતરમાં કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા રજૂ કરવામાં આવેલો રિપોર્ટ આ બાબતે ઘણા ચોંકાવનારા આંકડા સામે લાવ્યો છે.
છેલ્લા 17 વર્ષના આંકડા જોઈએ તો ગુજરાતના વાહનચાલકોએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1400 કરોડ રૂપિયાથી પણ વધુની રકમ દંડ પેટે સરકારની તિજોરીમાં જમા કરાવી છે. વર્ષ 2007થી 2025 સુધીના આ ગાળામાં કરોડોની વસૂલાત થઈ હોવા છતાં, કેગના રિપોર્ટમાં અમુક ટેકનિકલ ખામીઓ અને નાણાકીય હસ્તાંતરણમાં મોટી ઘટ હોવાનું ધ્યાન પર આવ્યું છે.
કેગના રિપોર્ટમાં કઈ બાબતો ઉડીને આંખે વળગી?
ભારત સરકારના કેગ દ્વારા વર્ષ 2024-25નો રાજ્યની નાણાકીય સ્થિતિનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ, છેલ્લા 19 વર્ષમાં (2006-07 થી 2024-25) સરકારે અંદાજે 1614.02 કરોડ રૂપિયાનો દંડ વસૂલવાનું લક્ષ્ય રાખ્યું હતું. તેની સામે વાસ્તવમાં 1474.98 કરોડ રૂપિયાનો ટ્રાફિક દંડ વસૂલાયો છે. નવાઈની વાત એ છે કે શરૂઆતના વર્ષોમાં આ રકમ ખૂબ ઓછી હતી.
વર્ષ 2007-08માં 8 કરોડના અંદાજ સામે માત્ર 0.02 કરોડ અને 2008-09માં 4 કરોડના અંદાજ સામે માત્ર 0.04 કરોડ રૂપિયા જ વસૂલવામાં આવ્યા હતા. નિષ્ણાતો માને છે કે તે સમયે અત્યારના જેવી કડક વ્યવસ્થા કે ડિજિટલ મેમોની સિસ્ટમ ન હોવાથી આવક ઓછી હોઈ શકે, પરંતુ આટલો મોટો તફાવત તપાસનો વિષય છે.
માર્ગ સુરક્ષા ફંડ અને 16 ટકાની ઘટનો પેચ
સરકારે વર્ષ 2000માં એક મહત્વનો નિર્ણય લીધો હતો કે શહેરોમાંથી જે દંડ વસૂલાય, તેનો અમુક હિસ્સો ગુજરાત રાજ્ય માર્ગ સુરક્ષા નિધિમાં જમા કરવો. આ ફંડનો ઉપયોગ રસ્તાઓ સુરક્ષિત બનાવવા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે કરવાનો હોય છે. આ માટે ગાંધીનગર ખાતે પોલીસ વડાના નામે એક ખાસ પર્સનલ ડિપોઝિટ એકાઉન્ટ (PLA) પણ ખોલવામાં આવ્યું હતું. વર્ષ 2006માં નક્કી થયું હતું કે દંડની 100 ટકા રકમ આ ખાતામાં ટ્રાન્સફર કરવી.
જોકે, કેગની તપાસમાં સામે આવ્યું છે કે જેટલો દંડ વસૂલાયો અને જેટલી રકમ આ સુરક્ષા ખાતામાં મોકલવામાં આવી, તેમાં 16 ટકાની મોટી ઘટ છે. આંકડાકીય રીતે જોઈએ તો PLA માટે 1186.06 કરોડના અંદાજ સામે 1246.21 કરોડની વસૂલાત થઈ હતી. હિસાબોની તપાસ કરતા જાણવા મળ્યું કે હજુ પણ 87.91 કરોડ રૂપિયા જેટલી રકમ ફંડમાં હસ્તાંતરિત કરવાની બાકી છે.
આમ, એક તરફ લોકો ટ્રાફિકના નિયમો પાળીને કે દંડ ભરીને વ્યવસ્થામાં સાથ આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ વહીવટી સ્તરે આ નાણાંનો જે હેતુ માટે ઉપયોગ થવો જોઈએ, તેમાં વિલંબ કે તફાવત જોવા મળી રહ્યો છે. માર્ગ સુરક્ષા માટે ફાળવવામાં આવતા નાણાં જો સમયસર અને પૂરેપૂરા વપરાય તો કદાચ અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો લાવી શકાય તેમ છે.











