તમિલનાડુમાં ‘થલાપતિ’ વિજયની એન્ટ્રીથી ખળભળાટ: ભાજપની રમત અને AIADMKનું ધર્મસંકટ, જાણો શું છે સત્તાનું આખું ગણિત

તમિલનાડુમાં સરકાર બનાવવા માટે થલાપતિ વિજયની TVK પાર્ટીને 10 બેઠકોની જરૂર છે. ભાજપની પડદા પાછળની સક્રિયતા અને AIADMKમાં ઉઠેલા બળવાના સૂરોએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

તમિલનાડુ, ગુરૂવાર
તમિલનાડુના રાજકારણમાં અત્યારે એક મોટો આશ્ચર્યજનક વળાંક જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારતના સુપરસ્ટાર અને હવે રાજનેતા બનેલા થલાપતિ વિજયની પાર્ટી ‘તમિલગા વેત્રી કઝગમ’ (TVK) અત્યારે સત્તાની એકદમ નજીક પહોંચી ગઈ છે. જોકે, બહુમતી સાબિત કરવા માટે હજુ પણ થોડો આંકડો ખૂટી રહ્યો છે, જેના કારણે રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આ તકનો લાભ લેવા માટે ભાજપ હવે મેદાને પડ્યું છે, જેના કારણે કોંગ્રેસ અને AIADMK છાવણીમાં ચિંતાના વાદળો છવાયા છે.

118નો જાદુઈ આંકડો અને TVKની સ્થિતિ
તમિલનાડુ વિધાનસભામાં કુલ 234 બેઠકો છે. કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યોના સમર્થનની જરૂર હોય છે. હાલના સમીકરણો મુજબ, થલાપતિ વિજયની પાર્ટી TVK પાસે 108 બેઠકો છે. એટલે કે, તેઓ બહુમતીના આંકડાથી માત્ર 10 બેઠકો જ દૂર છે. આ 10 બેઠકો મેળવવા માટે હવે ભારે ખેંચતાણ શરૂ થઈ છે.

ભાજપનો માસ્ટરપ્લાન: કોંગ્રેસને રાખવી છે દૂર
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ ઈચ્છે છે કે તમિલનાડુમાં વિજયની સરકાર બને પણ તેમાં એક મોટી શરત છે. ભાજપ કોઈપણ સંજોગોમાં વિજયને કોંગ્રેસ સાથે ગઠબંધન કરતા રોકવા માંગે છે. પડોશી રાજ્ય કેરળમાં કોંગ્રેસ મજબૂત થઈ રહી હોવાથી ભાજપ તમિલનાડુમાં કોંગ્રેસને સત્તાથી દૂર રાખીને તેનું વર્ચસ્વ ઘટાડવા માંગે છે. આ માટે ભાજપ તેના જૂના સાથી પક્ષ AIADMK પર દબાણ કરી રહ્યું છે કે તેઓ TVKને ટેકો આપે.

AIADMKમાં ભંગાણના સંકેતો?
ભાજપના આ દબાણને કારણે AIADMKમાં ભારે અસમંજસની સ્થિતિ છે. પાર્ટીમાં અત્યારે બે ભાગલા પડતા દેખાઈ રહ્યા છે એક જૂથ એવું માને છે કે સત્તામાં ભાગીદારી મેળવવા માટે વિજયની પાર્ટીને ટેકો આપવો જોઈએ. બીજું જૂથ માને છે કે જો વિજયને ટેકો આપશે તો પાર્ટીનું પોતાનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે જો AIADMK જલ્દી કોઈ નિર્ણય નહીં લે, તો મહારાષ્ટ્રમાં જે રીતે શિવસેનામાં ભાગલા પડ્યા હતા, તેવી જ સ્થિતિ અહીં પણ સર્જાઈ શકે છે. પાર્ટીના વરિષ્ઠ નેતા લીમા રોઝ માર્ટિને પણ સ્વીકાર્યું છે કે TVK અને AIADMK વચ્ચે પડદા પાછળ વાતચીત ચાલી રહી છે.

થલાપતિ વિજયની મહત્વની બેઠક
બીજી તરફ, કોંગ્રેસના 5 વિજેતા ઉમેદવારોએ વિજયને સમર્થન આપવાની તૈયારી બતાવી છે, તેમ છતાં હજુ 5 બેઠકો ખૂટે છે. આ અનિશ્ચિતતા વચ્ચે થલાપતિ વિજયે ગુરુવારે (7 મે) એક ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર બનાવવાના અંતિમ સમીકરણો અને ગઠબંધન અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

તમિલનાડુમાં વર્ષોથી દ્રવિડિયન પક્ષો (DMK અને AIADMK)નું શાસન રહ્યું છે, પરંતુ આ વખતે થલાપતિ વિજયની એન્ટ્રી અને ભાજપની ‘ચાણક્ય નીતિ’એ આખા રાજ્યના રાજકારણને બદલી નાખ્યું છે. હવે જોવાનું એ રહેશે કે 7 મેની બેઠક બાદ તમિલનાડુના સિંહાસન પર કોણ બિરાજે છે અને કોંગ્રેસ આ ચક્રવ્યૂહમાંથી કેવી રીતે બહાર નીકળે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!