ગાંધીનગરમાં ખનીજ માફિયાઓ પર તંત્રની લાલ આંખ, ગેરકાયદેસર રેતી વહન કરતા 10 ડમ્પરો પકડાયા, 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગરમાં ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી, ગાંધીનગરમાં ગેરકાયદેસર રેતી વહન કરતા 10 ડમ્પરોને ભૂસ્તર વિભાગે ઝડપી પાડ્યા છે. કલેક્ટર રવીન્દ્ર ખતાલેના માર્ગદર્શનમાં 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો.

ગાંધીનગર, રવિવાર
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી બિનઅધિકૃત ખનીજ ચોરી અને વહન પર અંકુશ લાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે. ખનીજ માફિયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે તંત્ર દ્વારા એક કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

રાઉન્ડ ધ ક્લોક સ્પેશ્યલ ડ્રાઈવ અને 3 કરોડનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગરના જિલ્લા કલેક્ટર રવીન્દ્ર ખતાલેના સીધા માર્ગદર્શન અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ટીમે એક વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું. ગત 29/05/2026ના રોજ વિભાગ દ્વારા રાઉન્ડ ધ ક્લોક સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ આકસ્મિક ચેકિંગ દરમિયાન સાદી રેતીનું ગેરકાયદેસર રીતે વહન કરતા કુલ 10 ડમ્પર વાહનોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ તમામ વાહનો સહિત આશરે 3 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઝડપાયેલા ડમ્પરોની વિગત
આ ઓપરેશનમાં પકડાયેલા 10 વાહનોમાંથી 5 ડમ્પરો એવા હતા જે કોઈપણ પ્રકારના રોયલ્ટી પાસ વગર જ રેતીની ચોરી કરી રહ્યા હતા, જ્યારે અન્ય 5 ડમ્પરો પાસે પાસ હોવા છતાં તેમાં મર્યાદા કરતા વધુ ખનીજ ભરેલું હતું. આ વાહનો ભાટ, ઘણપ, સરગાસણ, અડાલજ, લીમ્બડીયા, લવારપુર, ખોડીયાર-વૈષ્ણોદેવી અને ખડાત જેવા વિસ્તારોમાંથી પકડાયા હતા.

રોયલ્ટી પાસ વગર પકડાયેલા 5 વાહનો:
ભાટ-નાના ચિલોડા રોડ: ડમ્પર નંબર GJ-24-V-8714
લીમ્બડીયા ગામ પાસે: ડમ્પર નંબર GJ-24-X-4209
લવારપુર-વલાદ રોડ: ડમ્પર નંબર GJ-12-BV-1313
વૈષ્ણોદેવી સર્કલ રોડ: ડમ્પર નંબર GJ-24-X-4997
ખડાત-મહુડી રોડ: ડમ્પર નંબર GJ-17-XX-9423

ઓવરલોડ ખનીજ સાથે પકડાયેલા 5 વાહનો:
ધણપ ચેકપોસ્ટ: ડમ્પર નંબર GJ-01-KT-6725
સરગાસણ સર્કલ: ડમ્પર નંબર GJ-18-BV-4787
અડાલજ-ઝુંડાલ રોડ: ડમ્પર નંબર GJ-36-T-9569
વાવોલ પાસે (લીલા હોટલ રોડ): ડમ્પર નંબર GJ-02-BT-5171
ખોડીયાર–વૈષ્ણોદેવી રોડ: ડમ્પર નંબર GJ-24-X-6774

ખનીજ માફિયાઓમાં ફફડાટ અને દંડકીય કાર્યવાહી
ભૂસ્તર વિભાગ દ્વારા જપ્ત કરાયેલા આ તમામ 10 વાહનોના માલિકો સામે હવે કાયદાકીય સકંજો કસાશે. આ માલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-2017 અંતર્ગત આકરી દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.

કલેક્ટર રવીન્દ્ર ખતાલેના નેતૃત્વમાં થયેલી આ સરાહનીય અને કડક કામગીરીને પગલે જિલ્લાના ખનીજ માફિયાઓ અને નિયમો તોડનારા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક ચેકિંગ ડ્રાઈવ સતત ચાલુ જ રહેશે, જેથી જિલ્લાની ખનીજ સંપત્તિનું રક્ષણ કરી શકાય.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!