અમદાવાદના માણેકચોકમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે. રતનપોળથી આવતા જ્વેલરની બેગની ચેન ખોલી 9.61 લાખના દાગીનાની ચોરી થઈ, જે CCTVમાં કેદ છે. જાણો વિગતવાર.

અમદાવાદ, રવિવાર
અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને ભીડભાડવાળા બજાર ગણાતા માણેકચોક વિસ્તારમાં ધોળા દિવસે ચોરી કરતી ગેંગનો આતંક સામે આવ્યો છે. રતનપોળ અને માણેકચોક વિસ્તારમાં એક જ સ્ટાઈલથી (મોડસ ઓપરેન્ડી) ચોરીની આ સતત બીજી ઘટના બની છે. અહીં રસ્તા પર ચાલતા જતા એક જ્વેલરીના વેપારીની નજર ચૂકવીને પાછળથી આવેલા બે શખ્સોએ બેગની ચેન ખોલી 9.61 લાખ રૂપિયાના સોના-પ્લેટિનમના દાગીનાની ચોરી કરી છે. આ સમગ્ર ઘટના બજારના CCTV માં કેદ થઈ ગઈ છે.
29 મેના રોજ બપોરે બની ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર, નિકોલ વિસ્તારમાં રહેતા અને જ્વેલરીનો વેપાર કરતા 43 વર્ષીય ભાવેશ પટેલ સાથે આ ઘટના બની છે. ગત 29 મેના રોજ બપોરે તેઓ પરિવાર અને પોતાની પેઢીના કેટલાક દાગીના રિપેર કરાવવા માટે માણેકચોક જવા નીકળ્યા હતા. રસ્તામાં તેઓ રતનપોળની શેઠની પોળમાં એક મિત્રને તેની ઓફિસે મળવા ગયા હતા.
ત્યાંથી બપોરે 1:45 વાગ્યાની આસપાસ તેઓ માણેકચોક તરફ ચાલતા નીકળ્યા હતા. બપોરે 2:15 વાગ્યે જ્યારે તેઓ માણેકચોક પહોંચ્યા, ત્યારે રસ્તામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમને ટોક્યા કે તેમની બેગની ચેન ખુલ્લી છે. ભાવેશભાઈએ તરત જ પોતાની પીઠ પર ભરાવેલી બેગ ચેક કરી, તો અંદરથી દાગીના ભરેલું પ્લાસ્ટિકનું બોક્સ ગાયબ હતું.
CCTV ફૂટેજમાં લાઈવ દેખાઈ ચોરોની કરતૂત
ચોરીની આ આખી ઘટના માણેકચોક બજારમાં અલગ-અલગ દુકાનોની બહાર લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટ દેખાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વેપારી ભાવેશ પટેલ સામાન્ય રીતે ચાલી રહ્યા છે અને તેમની પાછળ બે શખ્સો ખૂબ જ નજીકથી પીછો કરી રહ્યા છે. બજારની ભીડનો ફાયદો ઉઠાવીને એક શખ્સ અત્યંત સિફતપૂર્વક બેગની ચેન ખોલી નાખે છે. ત્યારબાદ તે હળવેથી અંદર હાથ નાખીને દાગીનાનું બોક્સ કાઢી લે છે અને પછી બંને ચોર ત્યાંથી રફુચક્કર થઈ જાય છે.
ચોરાયેલા દાગીનાની વિગત:
વેપારી ભાવેશ પટેલે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, પ્લાસ્ટિકના બોક્સમાં નીચે મુજબના કિંમતી દાગીના હતા:
માતા ગૌરીબહેનની 25 ગ્રામની સોનાની તુલસીમાળા
પત્નીનો 15.5 ગ્રામનો સોનાનો હાથપંજો
6.5 ગ્રામની લાલ નંગવાળી સોનાની વીંટી
સાળીનું 11 ગ્રામનું સોનાનું બ્રેસલેટ
જ્વેલર્સ પેઢીની 80 થી 90 નંગ જેટલી સોનાની ચૂનીઓ
3.5 ગ્રામનું પ્લેટિનમ ધાતુનું એક પેન્ડલ
વેપારીઓમાં ફફડાટ અને પોલીસ તપાસ શરૂ
ધોળા દિવસે અને લોકોની ભારે જનમેદની વચ્ચે થયેલી આ ચોરીને કારણે સ્થાનિક વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે વેપારી ભાવેશ પટેલની ફરિયાદના આધારે 9.61 લાખ રૂપિયાની ચોરીનો ગુનો દાખલ કર્યો છે. હાલમાં સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો CCTV ફૂટેજના આધારે આ ચોર ગેંગની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે કામે લાગી છે. આવનારા દિવસોમાં આ ગેંગ પકડાયા બાદ અન્ય કેટલીક ચોરીઓના ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે.











