ગુજરાતમાં મેઘતાંડવ: રાજુલામાં 10 ઈંચ વરસાદ, સરદાર સરોવર 65% ભરાયો, 35 NDRF-SDRF ટીમો તહેનાત

ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. રાજુલામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો. સરદાર સરોવર ડેમ 65% ભરાયો. 777 લોકોનું સુરક્ષિત સ્થળાંતર અને 35 NDRF-SDRF ટીમો તહેનાત. જાણો લેટેસ્ટ અપડેટ.

ગાંધીનગર, સોમવાર
ગુજરાતમાં અત્યારે ચોમાસું જામ્યું છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના રિપોર્ટ મુજબ, છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લાના રાજુલામાં સૌથી વધુ 10 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. વરસાદની આ ભયંકર બેટિંગને જોતા રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયા છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો…

અમરેલી જિલ્લો: ધારીમાં 9 ઇંચથી વધુ, ખાંભામાં 6 ઇંચ અને સાવરકુંડલામાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જાફરાબાદ, બગસરા અને લીલીયામાં 4 ઇંચથી વધુ પાણી વરસ્યું છે. અમરેલી જિલ્લામાં સરેરાશ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ડાંગ જિલ્લો: સુબીરમાં 5 ઇંચ અને આહવામાં 4 ઇંચથી વધુ વરસાદ સાથે આખા જિલ્લામાં સરેરાશ 4 ઇંચ વરસાદ પડ્યો છે.

અન્ય વિસ્તારો: સાબરકાંઠાના વિજયનગર અને ગીર સોમનાથના ઉનામાં 4-4 ઇંચ, જ્યારે ભાવનગરના જેસર અને નવસારીના ચીખલીમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

આ ઉપરાંત વાપી, ઉમરગામ, વ્યારા, ગણદેવી, મહુવા સહિતના અનેક તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો વરસાદ
6 જુલાઈ સવાર સુધીના આંકડા મુજબ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 17 ટકા (6 ઇંચથી વધુ) વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 23 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 20 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 12 ટકા, ઉત્તર ગુજરાતમાં 10 ટકા અને કચ્છમાં હજુ સુધી માત્ર 0.42 ટકા જ વરસાદ પડ્યો છે.

સરદાર સરોવર અને અન્ય જળાશયોની શું છે સ્થિતિ?
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની જોરદાર આવક થઈ છે. હાલમાં ડેમમાં 2.15 લાખ MCFT (આશરે 65 ટકા) જેટલો જળસંગ્રહ થઈ ચૂક્યો છે. રાજ્યના અન્ય 206 ડેમોમાં પણ 2.09 લાખ MCFT પાણીનો સંગ્રહ થયો છે.

02 ડેમ સંપૂર્ણ 100% ભરાઈ ગયા છે. 18 ડેમ 70% થી વધુ અને 20 ડેમ 50% થી વધુ ભરાયા છે. પાણીની આવક વધતા હાલ 06 ડેમ ‘હાઇ એલર્ટ’ પર, 07 ડેમ ‘એલર્ટ’ પર અને 07 ડેમ ‘વોર્નિંગ લેવલ’ પર મૂકવામાં આવ્યા છે.
રેસ્ક્યુ અને સ્થળાંતરની કામગીરી ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. નવસારી, જૂનાગઢ, તાપી, ડાંગ, ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલીમાંથી અત્યાર સુધીમાં 777 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. જ્યારે પૂરના પાણીમાં ફસાયેલા 60 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

NDRF-SDRF તહેનાત અને માછીમારોને ચેતવણી
કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે 10 NDRF અને 25 SDRF મળીને કુલ 35 ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરાઈ છે. બેકઅપ માટે 4 NDRF અને 8 SDRF ની ટીમો હેડક્વાર્ટર ખાતે રિઝર્વ રખાઈ છે. હવામાન વિભાગની આગાહી અને દરિયામાં ભારે કરંટને જોતા તમામ માછીમારોને 9 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

વીજ પુરવઠો પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી
ભારે પવન અને વરસાદના કારણે રાજ્યના 2,804 ગામોમાં લાઈટ ડૂલ થઈ ગઈ હતી. જોકે, ઊર્જા વિભાગે રાત-દિવસ એક કરીને 2,738 ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરી દીધો છે. બાકીના 66 ગામોમાં પાવર ચાલુ કરવાની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય છે. તંત્ર દ્વારા લોકોને કારણ વગર બહાર ન નીકળવા અને નદી-નાળા કે ડેમની આસપાસ ન જવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની પૂરેપૂરી શક્યતા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!