ડભગરવાડના મન્સૂરી મહોલ્લામાં જૂનું મકાન તૂટી પડતાં બે લોકો કાટમાળ નીચે દટાયા, એક યુવક ઇજાગ્રસ્ત

અમદાવાદ, મંગળવાર:
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં મંગળવારે એક દુઃખદ ઘટના બની હતી. દરિયાપુરના ડભગરવાડ વિસ્તારમાં આવેલા મન્સૂરી મહોલ્લામાં એક જૂનું મકાન અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.મકાન તૂટી પડતાં બે લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.
બચાવ કામગીરી દરમિયાન કાટમાળમાંથી એક વૃદ્ધાને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ તેમનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત નીપજ્યું હતું. જ્યારે એક યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. મકાન ધરાશાયી થવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે, જ્યારે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.










