ગુજરાતમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમીન ફાળવણી માટે જિલ્લા કલેક્ટર અને DDO ની નાણાકીય સત્તામર્યાદામાં વધારો કર્યો છે.

વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્યમાં ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ને વધુ સુદ્રઢ બનાવવા અને સામાન્ય નાગરિકો તેમજ ઉદ્યોગો માટે વહીવટી પ્રક્રિયા સરળ કરવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારી જમીનની ફાળવણી ઝડપી અને પારદર્શી બને તે માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) ની નાણાકીય સત્તામર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામે હવે જમીન ફાળવણી સંબંધિત અનેક નિર્ણયો સ્થાનિક એટલે કે જિલ્લા કક્ષાએ જ લઈ શકાશે, જેનાથી અરજદારો અને સંસ્થાઓને ગાંધીનગર સુધીના બિનજરૂરી ધક્કામાંથી મુક્તિ મળશે.
વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને રોજગારીને મળશે નવો વેગ
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્તરે જમીનનો રેકોર્ડ અને સ્થળ-સ્થિતિની તમામ વિગતો પહેલેથી જ ઉપલબ્ધ હોય છે, જેથી જિલ્લા કક્ષાએ નિર્ણયો લેવાથી સમગ્ર પ્રક્રિયા ખૂબ ટૂંકી બનશે. આ ફેરફારથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, જાહેર-સામાજિક હેતુઓ તેમજ ગ્રામીણ વિકાસના પ્રોજેક્ટ્સને ઝડપથી મંજૂરીઓ મળી શકશે. સરકારી અને ખાનગી પ્રોજેક્ટ્સ ઝડપથી શરૂ થવાથી રાજ્યમાં વિકાસ કાર્યોની સાથે નવી રોજગારીની તકો પણ ઊભી થશે. આ ઉપરાંત, જમીનની કબજાકિંમત કે પ્રીમિયમની રકમ સમયસર અને ઝડપથી સરકારી તિજોરીમાં જમા થશે.
જિલ્લા કક્ષાએથી જ સરળતાથી ફોલોઅપ મળી રહેશે
જિલ્લા કલેક્ટર અને DDO ને વધુ નાણાકીય અને નિર્ણય લેવાની સત્તાઓ સોંપાતા, જમીન ફાળવણીને લગતા કામકાજનો ઝડપી નિકાલ શક્ય બનશે. વિવિધ અરજદાર સંસ્થાઓ, કંપનીઓ અને સરકારી વિભાગોને પણ હવે ગાંધીનગર લંબાવવાને બદલે સ્થાનિક જિલ્લા કચેરી ખાતેથી જ સરળતાથી ફોલોઅપ અને જરૂરી માર્ગદર્શન મળી રહેશે. આ નિર્ણયથી આંતર-વિભાગીય સંકલન વધુ મજબૂત બનશે.
મુદત લંબાવવા અંગે કલેક્ટરને વિશેષ સત્તા સોંપાઈ
નવી વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકારના બોર્ડ-કોર્પોરેશન તેમજ ભારત સરકારના વિવિધ ખાતાઓને જમીન ફાળવણીના કિસ્સામાં ખાસ રાહત આપવામાં આવી છે. કલેક્ટર દ્વારા ઈન્ટિમેશન જનરેટ કર્યા બાદ જો કબજાકિંમત કે પ્રીમિયમની રકમ 90 દિવસની અંદર ભરપાઈ ન થઈ શકે, તો જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની ત્રણ વર્ષની અવધિ પૂર્ણ થાય ત્યાં સુધી મુદત વધારવાની સત્તા કલેક્ટરને આપવામાં આવી છે. આ નિર્ણયથી એક જ પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન અટકશે અને સરકારી કર્મચારીઓ તેમજ અરજદારોના કિંમતી સમયનો બચાવ થશે.










