કંગના રનૌતના ‘ગટર જેન-ઝી’ નિવેદન પર જેડીયુએ કડક પ્રતિક્રિયા આપી છે. અંજુમ આરાએ આ નિવેદનને અશૌભનીય અને દેશની દીકરીઓનું અપમાન ગણાવ્યું છે.

ભાજપના સાંસદ કંગના રનૌત દ્વારા જેન-ઝી (Gen-Z) અને મહિલાઓને લઈને કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ નવો રાજકીય વિવાદ ઊભો થયો છે. કંગનાના આ ‘ગટર ગ્રેજ્યુએશન/જેન-ઝી’ વાળા નિવેદન પર એનડીએ (NDA)ના સહયોગી પક્ષ જેડીયુ (JDU) તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે. નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ આ નિવેદનથી સંપૂર્ણપણે અંતર જાળવી લેતા તેને કંગના રનૌતનો વ્યક્તિગત મામલો ગણાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે આ ટિપ્પણી સાથે પાર્ટીને કોઈ લેવાદેવા નથી.
અંજુમ આરાએ નિવેદનને ગણાવ્યું અયોગ્ય અને અપમાનજનક
જેડીયુના પ્રવક્તા અંજુમ આરાએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે કંગના રનૌત ભાજપના સન્માનિત સાંસદ છે, પરંતુ દેશના યુવાનો અને દીકરીઓ પ્રત્યે તેમણે જે ભાષાનો પ્રયોગ કર્યો છે તેની સાથે કોઈ પણ સંમત થઈ શકે નહીં. આજે દેશની દીકરીઓ દરેક ક્ષેત્રમાં ભારતનું નામ રોશન કરી રહી છે. આવી સ્થિતિમાં કોઈ પણ જનપ્રતિનિધિના શબ્દોમાં મર્યાદા અને સંવેદનશીલતા હોવી જરૂરી છે. આ પ્રકારનું નિવેદન માત્ર અયોગ્ય જ નથી પરંતુ દેશની કરોડો સંઘર્ષશીલ દીકરીઓને ઠેસ પહોંચાડનારું અને અપમાનિત કરનારું છે.
જાહેરમાં નેતાઓની ભાષા સન્માનજનક હોવી જોઈએ: JDU
પાર્ટી પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું હતું કે જાહેર જીવનમાં રહેલા કોઈપણ નેતાનું નિવેદન જવાબદારીપૂર્વકનું અને સન્માનજનક હોવું જોઈએ. આવી અશોભનીય ભાષાનો પ્રયોગ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. ઉલ્લેખનીય છે કે, કંગના રનૌતે યુવા હિન્દુ મહિલાઓ વિશે ટિપ્પણી કરતા કહ્યું હતું કે તેઓ વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત છે જેને તેઓ ‘ગટર જેન-ઝી’ માને છે. સાથે જ તેમણે યુવતીઓ પર નશો કરવા અને અનેક સંબંધો રાખવાના આરોપો પણ લગાવ્યા હતા, જેના કારણે સમગ્ર દેશમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે.










