બારામુલ્લાના ઉરી સેક્ટરમાં માઈન વિસ્ફોટમાં ભારતીય સેનાના બે જવાન ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક એરલિફ્ટ કરીને શ્રીનગરની બેઝ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક એક ભીષણ માઈન વિસ્ફોટની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ભારતીય સેનાના બે જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ઘટનાની વિગતો:
સ્થળ: સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ ઉરીના કમલકોટ સબ-સેક્ટર સ્થિત ‘અપર ગઢ ફોરવર્ડ પોસ્ટ’ પાસે થયો હતો. આ વિસ્તાર 12 ઈન્ફેન્ટ્રી બ્રિગેડની 8 રાષ્ટ્રીય રાઈફલ્સ (8 RR) ની સુરક્ષા હેઠળ આવે છે.ગત રોજ પેટ્રોલિંગ દરમિયાન જવાનો જ્યારે આ ફોરવર્ડ પોસ્ટ નજીક પહોંચ્યા, ત્યારે અચાનક માઈનમાં વિસ્ફોટ થયો હતો.
બચાવ કામગીરી અને સારવાર:
વિસ્ફોટની જાણ થતા જ સેના દ્વારા તાત્કાલિક અસરથી બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બંને ગંભીર રીતે ઘાયલ સૈનિકોને સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્કાલિક એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. હાલ બંને જવાનોને શ્રીનગરના બાદામીબાગ સ્થિત સેનાની બેઝ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યાં તબીબોની વિશેષ ટીમ તેમની સારવાર કરી રહી છે.સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને આ ઘટના અંગે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.










