ગાંધીનગરના પીપળજ ગામે લોકાર્પણ પહેલા જ નવા સ્મશાનગૃહની પ્રોટેક્શન વોલ ધરાશાયી થતાં ભ્રષ્ટાચારના આક્ષેપ.

ગાંધીનગરના પીપળજ ગામે સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરની લોલમલોલ નીતિનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામમાં નદી કિનારે લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા નવા સ્મશાનગૃહનો હજુ વિધિવત ઉપયોગ પણ શરૂ થયો નથી, ત્યાં જ ચોમાસાના પ્રારંભિક વરસાદમાં તેની પ્રોટેક્શન વાઈન્ડિંગ વોલ પત્તાના મહેલની જેમ તૂટી પડી છે. નિર્માણ કાર્યને હજુ 1 વર્ષ પણ પૂરું થયું નથી ત્યાં આખી સુરક્ષા દિવાલ જમીનદોસ્ત થઈ જતાં ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
સદનસીબે જાનહાનિ ટળી પરંતુ રસ્તો બંધ
ચોમાસાના પહેલા જ વરસાદમાં નદી કિનારે આવેલી આ ઊંચી સુરક્ષા દિવાલ કડડભૂસ થઈને સીધી નદી તરફ જતાં મુખ્ય માર્ગ પર પડી હતી. સદભાગ્યે તે સમયે ત્યાંથી કોઈ વાહન કે વ્યક્તિ પસાર થઈ રહી ન હોવાથી મોટી હોનારત અને જાનહાનિ ટળી છે. જોકે, દિવાલનો મોટો કાટમાળ રસ્તા પર પથરાઈ જવાના કારણે નદી તરફ જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેનાથી પશુપાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
નિર્માણ કાર્યમાં લોટ-પાણીને લાકડા જેવો ભ્રષ્ટાચાર
લોકાર્પણ પહેલા જ દિવાલ ધરાશાયી થતાં તંત્ર અને કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલીભગત સામે આવી છે. લોકોનો આક્ષેપ છે કે પ્રજાના ટેક્સના નાણાંમાંથી સ્વીકૃત થતા વિકાસકામોમાં અત્યંત હલકી ગુણવત્તાવાળા મટીરીયલનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. નવનિર્મિત સ્મશાનગૃહ પ્રજાના ઉપયોગમાં આવે તે પહેલાં જ તેની દિવાલ તૂટી પડવી એ નબળી કામગીરીની પ્રત્યક્ષ સાબિતી આપે છે.
કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી કાર્યવાહી કરવાની માંગ
આ ઘટના બાદ આક્રોશે ભરાયેલા ગ્રામજનોએ સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ કરી છે. લોકોની માંગણી છે કે સ્મશાનગૃહના નિર્માણની ગુણવત્તા તપાસીને જવાબદાર કોન્ટ્રાક્ટરને તુરંત બ્લેકલિસ્ટ કરવામાં આવે, તેની સામે કાયદેસરના પગલાં ભરી દંડ ફટકારવામાં આવે તેમજ આ કામગીરીની દેખરેખ રાખનારા સંબંધિત સરકારી ઇજનેરો અને અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરી પ્રજાના નાણાંનો દુરુપયોગ અટકાવવામાં આવે.











