ગુજરાતમાં એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 30 જુલાઈથી આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી.

ગુજરાતમાં એકસાથે 4 નવી વરસાદી સિસ્ટમો સક્રિય થવાને કારણે 30 જુલાઈથી રાજ્યભરમાં ચોમાસું વધુ ભયાનક રૂપ ધારણ કરશે. આગામી 6 દિવસ સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ ડીપ ડિપ્રેશન, મોનસૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એકસાથે સક્રિય થયા છે, જેના કારણે વરસાદી આફત વધવાની પૂરેપૂરી સંભાવના છે.
29 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી ગાજવીજ અને પવનની ચેતવણી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા મુજબ, 29 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે થંડરસ્ટોર્મની ચેતવણી આપવામાં આવી છે. દરિયાઈ ક્ષેત્રોમાં પવનની ગતિ 20 થી 25 નોટ્સ સુધી રહી શકે છે. મજબૂત પવન અને તીવ્ર પ્રેશરના કારણે 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ વોર્નિંગ આપી દેવામાં આવી છે. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં પણ 36 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં દાહોદના સંજેલીમાં 1.38 ઈંચ વરસાદ પડ્યો હતો.
30 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
આવતીકાલે 30 જુલાઈએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં મુસળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમ હાલ મધ્ય છત્તીસગઢ અને ઓડિશા પરથી પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે, જે આગામી 24 કલાકમાં મધ્ય પ્રદેશ સુધી પહોંચશે.
31 જુલાઈએ અમદાવાદ અને સુરત સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ
31 જુલાઈના રોજ વરસાદનું જોર ચરમસીમા પર પહોંચશે. હવામાન વિભાગે અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જારી કર્યું છે. આ ઉપરાંત રાજકોટ અને ભાવનગર સહિત અન્ય 12 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે. ધોલેરા પંથકમાં ઉપરવાસના વરસાદને કારણે અત્યારથી જ ચારેય તરફ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે.











