સંસદમાં રાહુલ ગાંધીના ભાષણ પર હોબાળો, માઈક બંધ કરવાના આક્ષેપ સાથે સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સની જાહેરાત.

સંસદમાં રાહુલ ગાંધીના ભાષણને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે અને ગૃહમાં તેમનું ભાષણ પૂર્ણ થઈ શક્યું નહોતું. સંસદની બહાર આવીને રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ યોગ્ય સમયે બોલશે. આ સાથે જ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ભાજપ પર બોલવા ન દેવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલે લખ્યું કે તેમણે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી બર્બરતાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ગૃહમંત્રી અમિત શાહનું નામ લીધું હતું, પરંતુ ભાજપે તેમને બોલવા દીધા નહોતા. તેમણે સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજીને તમામ વિગતો જાહેર કરવાની જાહેરાત કરી છે.
ગૃહમંત્રી અમિત શાહની ગેરહાજરી પર ઉઠાવ્યા સવાલ
રાહુલ ગાંધીએ સંસદમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અને પેલેટ ગન જેવા મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ પર સીધા પ્રહારો કર્યા હતા. ગૃહમાં ગૃહમંત્રીની ગેરહાજરી પર સવાલ ઉઠાવતા રાહુલે કહ્યું કે તેઓ ગૃહમાં કેમ નથી આવી રહ્યા. જો તેમણે કોઈ આદેશ જારી નથી કર્યો તો તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ. રાહુલે ઉમેર્યું કે સંસદમાં બોલવો તેમનો અધિકાર છે અને માઈક બંધ કરવાથી વિદ્યાર્થીઓનો અવાજ દબાવી શકાશે નહીં.
પ્રિયંકા ગાંધીનો ભાજપ પર તીખો પ્રહાર
ગૃહની કાર્યવાહી દરમિયાન બનેલી ઘટના પર પ્રિયંકા ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આખો દેશ જોઈ રહ્યો છે કે સંસદમાં શું થયું છે અને એક બાળકની આંખ પણ ફોડી દેવામાં આવી છે. નવા શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી સાથે જોડાયેલા વિવાદિત મુદ્દે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સચ સાચું જ રહેશે અને જો સાચું બોલવાની સજા મળતી હોય તો તેઓ સાચું જ બોલશે.
મહિલાઓ પ્રત્યે ભાજપના દૃષ્ટિકોણ પર વિપક્ષના આક્ષેપ
પ્રિયંકા ગાંધીએ પ્રહલાદ જોશી વિરૂદ્ધ પોતાના નિવેદનનો બચાવ કરતાં મંગલુરુના પબ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે મંગલુરુમાં મહિલાઓ પર હુમલો કરનાર વ્યક્તિને ભાજપમાં સામેલ કરવામાં આવ્યો હતો, જેની તસવીરો પણ મોજૂદ છે. જોકે બાદમાં તેને પક્ષમાંથી દૂર કરાયો હતો, પરંતુ આ ઘટના દર્શાવે છે કે ભાજપનો મહિલાઓ પ્રત્યે કેવો દૃષ્ટિકોણ છે.











